આણંદપર નવાગામમાં 10 વર્ષથી ગેરકાયદે ખડકાયેલી 25 ઓરડીઓ પર બુલડોઝર ફરી વળ્યું

રાજકોટમાં લાંબા સમયના અંતરાલ બાદ જિલ્લા વહીવટી તંત્રનું બુલડોઝર ગેરકાયદે બાંધકામો પર ચાલી રહ્યું છે. આજે 22 મે ના તાલુકા મામલતદાર કચેરી દ્વારા આણંદપર નવાગામની રુપિયા 5 કરોડની સરકારી જમીન ઉપર છેલ્લા 10 વર્ષથી ખડકાયેલી 25 ઓરડીઓનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ સમયે પીજીવીસીએલ ની ટીમ પણ સાથે રહી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે ડિમોલિશન કરાયુ હતુ. ઉનાળાના આકરા તાપ વચ્ચે આ ડિમોલીશન કરવામાં આવ્યું હતુ.

રાજકોટ તાલુકા મામલતદાર કે.એચ.મકવાણાએ દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, નવાગામ આણંદપરમાં સરકારી ખરાબા સર્વે નંબર 207 પૈકીની 4000 ચોરસ મીટર જમીનમાં રહેણાંક હેતુ માટે 25 ઓરડીઓ ખડકી દેવામાં આવી હતી. જે ગેરકાયદેસર હોવાથી નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ ત્યાં રહેતા લોકો દ્વારા જગ્યા ખાલી કરવામાં ન આવતા આજે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશન કરવામાં આવ્યું હતુ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવાગામ આણંદપરમાં અગાઉ પણ 10 થી 12 ઝૂપડા હટાવવામાં આવ્યા હતા. આજે રૂ.5 કરોડની સરકારી જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે અને હજુ ત્યાં 30 જેટલા દબાણો છે જેને દૂર કરવા માટે પણ નોટિસ આપવામાં આવી છે જે બાદ પણ જો જગ્યા ખાલી કરવામાં નહીં આવે તો વહીવટી તંત્ર દ્વારા ત્યાં બુલડોઝર ફેરવી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજકોટ જિલ્લા કલેક્ટરે સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર થયેલા દબાણોનો સર્વે કરી તાત્કાલીક આવા દબાણો હટાવવા માટે જિલ્લાના દરેક મામલતદારોને સુચના આપવામાં આવેલી હતી. આ સુચના અનુસંધાને રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા આણંદપર નવાગામની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ખડકાઇ ગયેલા દબાણોનો સર્વે કરી જિલ્લા કલેક્ટરને રીપોર્ટ કર્યો હતો.આ રીપોર્ટ બાદ જિલ્લા કલેક્ટરની સુચના મુજબ આજરોજ રાજકોટ તાલુકા મામલતદાર અને તેની ટીમ દ્વારા ચુસ્તપોલીસ બંદોબસ્ત સાથે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *