રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલી શ્રીજીનગર સોસાયટીમાં રહેતી પ્રિયા કિશોરભાઈ ઠેસિયા (ઉ.વ.17) ગઈકાલે સાંજે પોતાના ઘરે બેભાન અવસ્થામાં મળી આવી હતી, જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. સગીરાનું મોત શંકાસ્પદ જણાતા હોસ્પિટલ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેથી સગીરાના મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.
પ્રિયાની તબિયત અચાનક બગડી હતી ભક્તિનગર પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રિયાએ આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી અને આગળ બીકોમના અભ્યાસ માટે કોલેજમાં એડમિશન લીધું હોવાનું સમર આવ્યું છે, તેના પિતા કાસ્ટિંગ કારખાનામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રિયા બે બહેનોમાં નાની હતી. ગઈકાલે તેના પિતા રાબેતા મુજબ કારખાને નોકરી પર ગયા હતા અને માતા ધાર્મિક કથા સાંભળવા માટે બહાર ગયા હતા જેથી પ્રિયા ઘરે સાવ એકલી હતી. પ્રિયાની તબિયત બપોરના સમયથી જ અચાનક બગડી હતી અને તેણીને ગંભીર રીતે ઝાડા-ઉલ્ટીની તકલીફ શરૂ થઈ હતી.
પ્રિયાને લઈને હોસ્પિટલ પહોંચે તે બેભાન થઈ ગઈ સાંજે જ્યારે માતા કથા સાંભળીને ઘરે પરત ફર્યા ત્યારે પ્રિયાએ શારીરિક અસ્વસ્થતા હોવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે, તેને અસહ્ય ઝાડા-ઉલ્ટી થઈ ગયા છે જેથી તાત્કાલિક તેને ખાનગી ડોક્ટરના ક્લિનિક પર સારવાર માટે લઈ ગયા હતા. જો કે, ત્યાં હાજર ડોક્ટરે પ્રિયાની ગંભીર સ્થિતિ અને વધુ ખરાબ થતી તબિયતનો અંદાજ લગાવી પરિવારને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવાની સલાહ આપી હતી. પરિવાર પ્રિયાને લઈને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેણીની શારીરિક સ્થિતિ વધુ વણસી ગઈ હતી અને તે સંપૂર્ણપણે બેભાન થઈ ગઈ હતી.
વાસણ સાફ કરવા બાબતે પિતાએ ઠપકો આપ્યો હતો રાજકોટ નજીક વડાળી ગામમાં આવેલ જયભાઈ ડાભીની વાડીએ રહેતા પરિવારની દીકરી આશાબેન બાલુભાઈ ઘોટ (ઉં.વ.18) ગઈકાલે સાંજે 6 વાગ્યાં આસપાસ વાડીએ હતી, ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અહીં ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. જેથી બનાવ અંગે જાણ આજીડેમ પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં તેમનું મૂળ વતન અમદાવાદનું બાયડ ગામ છે. હાલ પરિવાર જયભાઈ ડાભીની વાડીએ રહીં ખેત મજૂરી કરે છે. પરિવારના સભ્યો બપોરે જમ્યા હતા પછી પિતાએ આશાને વાસણ સાફ કરી નાખવા કહ્યું હતું. તેણે વાસણ સાફ ન કરતા પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો જેનું લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.