ગુજરાતમાં ઓફિસોમાં ગમે ત્યારે વર્ક ફ્રોમ હોમની જાહેરાત થઈ શકે

પેટ્રોલ-ડીઝલની બચત માટે દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં ઓફિસમાં વર્ક ફ્રોમ હોમની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમની જાહેરાત થઈ શકે છે. ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ અને ‘5 ડેઝ વીક’ અમલમાં મૂકવાની માંગ ઉઠી છે. ફેડરેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન સાથે અંદાજિત 8000 જેટલા કર્મચારીઓ જોડાયેલા છે.

ફેડરેશનના પ્રમુખ કીર્તિ એલ. પટેલ અને મહામંત્રી હિરેન આર. પટેલ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવા, “વર્ક ફ્રોમ હોમ” અપનાવવા અને વર્ચ્યુઅલ મિટિંગને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને ઈંધણ બચતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર પણ આ દિશામાં પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.

પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાત સચિવાલય રાજ્યના વહીવટી તંત્રનું કેન્દ્ર હોવાથી દરરોજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અવરજવર કરે છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલનો વ્યાપક વપરાશ થાય છે અને ટ્રાફિકનો બોજ પણ વધે છે. કોરોનાકાળ દરમિયાન ઈ-ઓફિસ, વર્ચ્યુઅલ મિટિંગ, વીડિયો કોન્ફરન્સિંગ અને ડિજિટલ ફાઇલ સિસ્ટમ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ હતી, જેના સકારાત્મક પરિણામો મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *