રાજકોટના ગોંડલ રોડ ઉપર વિજય પ્લોટ શેરી નંબર 30માં રહેતા હર્ષદભાઈ અમરેલીયા (ઉં.વ.36) નામના યુવકે 13 મે ગઈકાલે રાત્રે 11 વાગ્યા આસપાસ પોતાના ઘરે ફીનાઈલ પી લીધું હતું. ઘટનાની જાણ થતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેમની સારવાર ચાલુ છે.
પત્ની સાથેના વિવાદમાં આપઘાતનો પ્રયાસ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, હર્ષદભાઈ વ્યવસાયે ડ્રાઈવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને સંતાનમાં તેમને એક દીકરી તથા એક દીકરો છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ પત્ની સાથેનો લાંબા સમયનો વિવાદ હોવાનું સામે આવ્યું છે. હર્ષદભાઈના લગ્ન જીવનમાં છેલ્લા દોઢ વર્ષથી ભંગાણ પડ્યું છે અને તેમની પત્ની હાલ કોઠારીયા રોડ પર આવેલા તેના પિતા પરેશભાઈ પાંચાણીના ઘરે રિસામણે છે.
પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો પતિનો આક્ષેપ હર્ષદભાઈના આક્ષેપ મુજબ તેમની પત્નીને અન્ય પુરુષ સાથે આડાસંબંધો હોવા છતાં તે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે છૂટાછેડાના બદલામાં આકરી શરતો મૂકી રહી છે. જેમાં પત્ની દ્વારા છૂટાછેડા માટે 20 લાખ રૂપિયા રોકડા અને પાંચ તોલા સોનાની માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પત્ની અને સાસરી પક્ષ તરફથી સતત આપવામાં આવતા માનસિક ત્રાસ અને ધમકીઓથી હર્ષદભાઈ અત્યંત વ્યથિત રહેતા હતા.
એક તરફ પત્નીનો અન્ય પુરુષ સાથેનો સંબંધ અને બીજી તરફ ભરણપોષણ કે છૂટાછેડાના નામે માંગવામાં આવતી મોટી રકમને કારણે તેઓ માનસિક દબાણમાં આવી ગયા હતા. આખરે આ ત્રાસ સહન ન થતા તેમણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું. હાલમાં સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા આ અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.