રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર 13 મેને બુધવારે બપોરના 1 વાગ્યા આસપાસ બિલ્ડર મહેશભાઈ પીપળીયાના પુત્ર ધવલે બેફામ વોલ્વો કાર ચલાવી એક સાથે ચાર ફોર-વ્હીલ અને એક ટુ-વ્હિલરને હડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં બાઈક સવાર દંપતીને ગંભીર ઇજા સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટના સમયે હાજર લોકો અને અકસ્માતનો ભોગ બનેલા લોકોનું કહેવું છે કે, કારચાલક ચિકાર નશાની હાલતમાં હતો. જો કે, આમ છતાં હજુ સુધી કારચાલક સામે કાર્યવાહી કરવામાં ન આવતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. એટલું જ નહીં BRTS રેલિંગને નુકસાન પહોચાડ્યું હોવા છતાં પબ્લિક પ્રોપર્ટી ડેમેજ અંગે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, માટે કારચાલક બિલ્ડર પુત્ર ધવલ મહેશભાઈ પીપળીયાને બચાવવાની ભૂમિકામાં પોલીસ હોય તેવું લાગી રહ્યુ છે.
રાજકોટ શહેર એસીપી વી. બી. જાડેજાએ જણાવ્યું કે, ગઈકાલે માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરના 1 વાગ્યા આસપાસ કાળા કલરની વોલ્વો કાર(GJ03 NF5666)નો ચાલક પુરપાટ ઝડપે બેફિકરાઈ પૂર્વક ચલાવી અન્ય ચાર મોટરકાર અને એક બાઈકને અડફેટે લીધું હતું. આ અકસ્માત દરમિયાન એક મહિલા સહિત ચાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ લોકોએ કારચાલકને માર માર્યો હોવાથી પોલીસ દ્વારા તાત્કાલિક તેમને સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ઈજાગ્રસ્ત અશ્વિનભાઈ કથરેચાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.