રાજકોટમાં હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જમીનમાં દરમાં રહેલા ઉંદરો બહાર નીકળી રહ્યા છે ત્યારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જેમાં ઉંદર પકડવાની જાળ(ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા આદેશ થયો છે. આ બદલ પોલીસ ફરિયાદની પણ જોગવાઈનો ઉલ્લેખ કરાયો છે. દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની તમામ આંગણવાડીઓમાં 18 અને 19મી મેના રોજ પ્રવેશોત્સવ યોજવામાં આવશે આ ઉપરાંત 16 થી 30 મે બાળકો માટે નવ સ્થળોએ યોગ શિબિરનું આયોજન કરાયું છે.
રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછારે જાહેરનામા દ્વારા રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ઉંદર પકડવાની જાળ(ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા આદેશ કર્યો છે. ગ્લુટ્રેપ જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર (ગ્લુટ્રેપ) વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે. તેઓ ગુંદરની જાળમાં પકડાયા પછી ઉંદર પોતાની રીતે મુક્ત થવામાં અસમર્થ હોય છે. જેના પરિણામે ડીહાઈડ્રેશન, ભૂખમરો ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે.
ઉંદરોનું નિયંત્રણ ઈચ્છનીય છે પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરતી ન હોવી જોઈએ જેથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રૂર પદ્ધતિ ના અપનાવવા તથા ઉંદર પકડવા માટે વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કાયદા મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા.12 મે થી 60 દિવસ સુધી અમલમાં રહેશે.