રાજકોટમાં ટાઉન પ્લાનિંગ (ટી.પી.) સ્કીમોના અમલીકરણમાં થઈ રહેલા અસહ્ય વિલંબ અને જમીન કપાતના વિવાદિત નિર્ણયો સામે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અસરગ્રસ્ત જમીનધારકોએ રાજકોટ મહાનગરપાલિકા અને ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) ને રજૂઆત કરી વહીવટીતંત્ર પર કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘનનો ગંભીર આરોપ લગાવ્યો છે.
મુખ્ય મુદ્દાઓ અને ખેડૂતોની રજૂઆત મોટા મવા-23 અને 24 જેવી સ્કીમોના ઇરાદા જાહેર થયાને 17 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે. નિયમ મુજબ ટી.પી. સ્કીમનું કામ 2 વર્ષમાં પૂર્ણ થવું જોઈએ, પરંતુ અહીં 10થી 30 વર્ષ સુધી યોજનાઓ લંબાવવામાં આવી રહી છે. 91 % કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં, અધિકારીઓ દ્વારા આખરી મંજૂરીમાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.
સમિતિએ આક્ષેપ કર્યો છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા પ્રેક્ટિકલ નિવારણ લાવવાને બદલે ડ્રાફ્ટ પ્લાન વિરુદ્ધ જઈને જમીનમાલિકોને ગુમરાહ કરવામાં આવે છે. ખાસ કરીને મુંજકા-18 અને 19 સ્કીમમાં ભેદભાવ જોવા મળ્યો છે; જેમાં મુંજકા-18માં કોઈ કપાત નથી, જ્યારે મુંજકા-19માં કપાતનું ધોરણ વધારી દેવાયું છે. ખેડૂતોની માગ છે કે ડ્રાફ્ટ સ્કીમ મુજબ જ કપાત રાખવી જોઈએ અને 40 ટકા જમીન કપાત સાથે બેટરમેન્ટ ચાર્જ વસૂલવાની પ્રથા બંધ કરવી જોઈએ