જયારે ધંધાની વાત આવે ત્યારે ગુજરાતીઓ પોતાના સમયને શોધી સમય આવ્યે તકનો લાભ ઉઠાવી મૌકે પે ચોકા લગાવવા જાણીતા છે. આવું જ એક ઉત્તમ ઉદાહરણ રાજકોટની જાણીતી નમકીન કંપનીએ પૂરું પાડ્યું છે.
બંગાળની ઝાલમુરીએ ચર્ચાનું કેન્દ્ર બની છે કારણ કે બંગાળના ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સામાન્ય દુકાનદાર પાસે પહોંચી ત્યાંની પ્રખ્યાત ઝાલમુરીની પ્લેટનો સ્વાદ ચાખ્યો હતો હવે આ જ ઝાલમુરી પ્રોડક્ટ બાલાજી વેફર્સ દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
અને આ જ ઝાલમુરી પ્રોડક્ટ તેઓ આવતા દિવસોમાં બંગાળમાં પણ લોન્ચ કરશે અને આગામી બેથી ત્રણ વર્ષની અંદર બંગાળમાં પ્લાન્ટ સ્થાપવા માટે પણ જાહેરાત કંપનીના મેનેજીંગ ડિરેક્ટર ચંદુભાઈ વિરાણીએ કરી છે.
બાલાજી વેફર્સના મેનેજીંગ ડિરેક્ટર ચંદુભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, આપણે ગુજરાતી છીએ અને આપણે મૌકે પે ચોકા લગાવવા જાણીતા છીએ. પ્રધાનમંત્રી જયારે બંગાળ પ્રવાસમાં હતા ત્યારે તેમણે ત્યાંની પ્રખ્યાત ઝાલમુરીનો સ્વાદ માણ્યો હતો અને એ પ્રખ્યાત બની હતી, માટે આ વાતનો ફાયદો ઉઠાવી ઓછા સમયમાં સરળતાથી અમારી નવી પ્રોડક્ટ્નું માર્કેટિંગ થઇ શકે તે માટે અમે રૂ. 5 અને 10ની કિંમતમાં ઝાલમુરી પ્રોડક્ટ લોન્ચ કરી છે.
‘બંગાળમાં આગામી બેથી ત્રણ વર્ષમાં અમારી ફેક્ટરી શરૂ કરીશું’ તેમને વધુમાં જણાવ્યું હતું કે, બંગાળમાં ભાજપની જીત થઇ છે અને મોદી સાહેબના કારણે બંગાળની ઝાલમુરી પ્રખ્યાત બની છે. બંગાળમાં અમે અમારી તમામ પ્રોડક્ટનું વેચાણ કરીશું હાલમાં આ તમામ પ્રોડક્ટ્નું વેચાણ ઉત્તર પ્રદેશથી કરીશું. એક વખત બંગાળમાં માર્કેટ સ્ટેબલ થઇ ગયા પછી આગામી બેથી ત્રણ વર્ષમાં અમે ત્યાં અમારી ફેક્ટરી પણ શરૂ કરીશું.