રાજકોટ મધ્યેથી પસાર થતી આજી નદીમાં અમદાવાદ જેવો રિવરફ્રન્ટ બનાવવા 12 વર્ષ પહેલાં તૈયારી શરૂ કરવામાં આવેલ જેમાં રામનાથ મહાદેવ મંદિર ડેવલોપમેન્ટનો સમાવેશ કરી રાજ્ય સરકારે ઠરાવ મજૂર કરી રૂ.1100 કરોડના પ્રોજેક્ટની મંજૂરી આપી હતી, પરંતુ આજસુધી રિવરફ્રન્ટનો એક પથ્થર પણ મુકાયો નથી અને હવે પ્રોજેક્ટ તૈયાર કર્યા બાદ શુદ્ધ પાણી ક્યાથી લાવશું તેવો પ્રશ્ન ઊભો થતા નવી ડિઝાઇન માટે ફરી કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે.
આજી નદી કાંઠાના વિસ્તારમાં રિવરફ્રન્ટ બનાવવા માટે 15 વર્ષ પહેલાં કોર્પોરેશને નિર્ણય લઈ દરખાસ્ત સરકારમાં મોકલી હતી. 11 કિલોમીટરના પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી ડિઝાઇન તૈયાર કરવામાં આવી અને સરકારે પણ પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂ.147 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. જેમાં રામનાથ મહાદેવ મંદિર ડેવલોપમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો, પરંતુ નદીમાંથી વહેતા ડ્રેનેજના પાણીના નિકાલ માટે લાઇન નાખવાની કામગીરી દરમિયાન કૈસરે હિંદ બ્રિજ નીચેથી પસાર કરવા માટે રેલવે વિભાગની મંજૂરીમાં સમય લાગતા પ્રોજેક્ટ બંધ થઈ ગયો હતો.
રેલવેની મંજૂરી મળ્યા બાદ રિવ ફ્રન્ટના ફ્લોરિંગ અને દીવાલ માટે નદીના પટમાં ગેરકાયદેસર દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરાવી, પરંતુ કોઈ કારણોસર આજ સુધી કામ ચાલુ ન થતા અને હવે આ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલાં અગાઉની ડિઝાઇનમાં ઊભા થયેલા પ્રશ્નોના નિરાકરણમાં રિવરફ્રન્ટમાં બારે મહિના શુદ્ધ પાણી ક્યાંથી લાવવું તેવો પ્રશ્ન ઊભો થતા ફરી વખત કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે.