રાજકોટ શહેરમાં ખાણી-પીણીની વસ્તુઓમાં થતી ભેળસેળ ડામવા માટે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક ઝુંબેશ શરૂ કરી છે. ખાસ કરીને પનીર અને દૂધ જેવી રોજીંદી ચીજવસ્તુઓમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની ફરિયાદો બાદ લેવામાં આવેલા નમૂનાઓના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલી જાણીતી હોટલોમાં શુદ્ધ પનીરના નામે પામતેલ અને અન્ય ફેટ યુક્ત પનીર પીરસાતું હોવાનું લેબોરેટરી પરીક્ષણમાં સાબિત થયું છે.
પનીર અને દૂધના નમૂના ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ગત મહિનાના રિપોર્ટ અનુસાર, ઇન્દિરા સર્કલ પાસેની ‘અંજલી ચાઇનીઝ એન્ડ પંજાબી’ રેસ્ટોરન્ટ અને રામાપીર ચોક સ્થિત ‘પ્રેમવાટિકા રેસ્ટોરન્ટ’ માંથી લેવાયેલા પનીરના નમૂના લેબોરેટરીમાં ફેઈલ થયા છે. આ પનીરમાં મિલ્ક ફેટ અને ‘રીચર્ટ વેલ્યુ’ (કુદરતી બ્યુટીરિક એસિડ) ધારાધોરણ કરતા ઘણી ઓછી મળી આવી છે, જે સ્પષ્ટ કરે છે કે તેમાં વનસ્પતિ તેલ કે પામોલીન તેલની ભેળસેળ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વાવડી વિસ્તારના ‘મધુવન ડેરી ફાર્મ’ માંથી લેવાયેલું ‘ફૂલ ક્રીમ મિલ્ક’ પણ પરીક્ષણમાં નિષ્ફળ ગયું છે, જેમાં નામ મુજબ ક્રીમની માત્રા પૂરતી જોવા મળી નથી.
રાજ્ય સરકારના સ્પષ્ટ આદેશ છતાં, અનેક હોટલોમાં ‘અસલી પનીર’ અને ‘એનેલોગ પનીર’ (વનસ્પતિ તેલમાંથી બનતું) અંગેના કોઈ બોર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા ન હતા. ગ્રાહકો છેતરાય નહીં તે હેતુથી આ બોર્ડ મારવા ફરજિયાત હોવા છતાં, તપાસ દરમિયાન ઉક્ત રેસ્ટોરન્ટમાં આ નિયમનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. આ બેદરકારી બદલ હવે ફૂડ વિભાગ દ્વારા એજ્યુડિકેશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.