કલોલ તાલુકાની 17 વર્ષ અને 10 મહિનાની સગીરા સાથે દુષ્કર્મ પછી મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવી દીધી છે. 6 ઓગસ્ટે પેથાપુરના 22 વર્ષીય પ્રેમીએ સેકટર 16ના કેપિટલ ગેસ્ટ હાઉસ કમ હોટેલના રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું. ચાર હોસ્પિટલ સારવાર બાદ પણ પીડિતાનો જીવ બચી શક્યો નથી. પેથાપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી દિશાંતની ધરપકડ કરી બુધવાર બપોર ત્રણ વાગ્યા સુધી રિમાન્ડ મેળવી પૂછતાછ કરતાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
પગરવ હોસ્પિટલ સગીરાના પરિજનો પહોંચ્યા એ પહેલા જ આરોપી દિશાંત ભાગી ગયો હતો. રસ્તામાં કોઈ સ્થળે પોતાના લોહીવાળા કપડાં બદલીને સાબરમતી નદીમાં ફેકી દીધા હતા. જ્યાંથી તે અમદાવાદ ચાંદખેડા રહેતી બહેનના ઘરે પહોંચ્યો હતો. આરોપી દિશાંતે હોટેલમાં રિસેપ્શનિસ્ટને રૂ.700 આપીને સગીરાની ઉંમર છુપાવી હતી. આ ઉપરાંત બંને હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી છે.
ગેસ્ટ હાઉસ સંચાલક, બંને હોસ્પિટલો સામે કાર્યવાહી થઈ શકે પેથાપુર પીઆઇ અંકુર દેસાઈએ જણાવ્યું કે, આરોપી પોતાના કપડા નદીમાં ફેકી આવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે. જ્યારે ડિવાઇન, પગરવ હોસ્પિટલના સત્તાધીશોના નિવેદન બાકી છે. જો એમાં બેદરકારી જણાઈ આવશે તો હોસ્પિટલો સામે પણ ગુનો નોંધીશું.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ડિવાઇન હોસ્પિટલમાંથી સગીરાનું જીન્સ પેન્ટ કપડા, CCTV કબ્જે લેવાયા છે. જ્યારે ગેસ્ટ હાઉસના સંચાલકે સગીરાના પુરાવા વિશે સંતોષકારક જવાબ આપ્યો નથી, તેની સામે ગુનો દાખલ કરાશે. આ બંને ઉપરાંત હોસ્પિટલો અંગે મેડિકલ બોર્ડ કમિટીને પણ રિપોર્ટ કરાશે.