રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના બે હૃદયદ્રાવક બનાવો સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક તરફ ચાર મહિના પહેલા જ જેની સગાઈ થઈ હતી તેવા 21 વર્ષીય યુવાને પોતાના મિત્રોની નજર સામે ખાણમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે તો બીજી તરફ બે માસૂમ દીકરીઓના પિતાએ આર્થિક કે માનસિક કારણોસર ગળેફાંસો ખાઈ લેતા પરિવાર નિરાધાર બન્યો છે. આ બંને ઘટનાઓએ સમાજમાં માનસિક સ્વાસ્થ્ય અને અકાળે લેવાતા આવા અંતિમ પગલાંઓ સામે લાલબત્તી ધરી છે.
મિત્રને રડતા અવાજે ફોન કરી કહ્યું- હું આપઘાત કરવા જઉં છું પ્રથમ બનાવની વાત કરીએ તો રાજકોટના ચુનારાવાડ નજીક આવેલી સીતારામ સોસાયટીમાં રહેતો 21 વર્ષીય રોહિત બાબુભાઈ કલાડીયા શાકભાજી વેચવાની સાથે છૂટક મજૂરી કરી પોતાના પરિવારને આર્થિક મદદ કરતો હતો. ગત રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં રોહિત હંમેશની જેમ પોતાની બકાલાની રિક્ષા લઈને ઘરની બહાર નીકળ્યો હતો. કોઈને અંદાજ નહોતો કે આ તેની અંતિમ સફર હશે. થોડા સમય બાદ રોહિતે તેના મિત્રને ફોન કર્યો અને રડતા અવાજે જણાવ્યું કે, હું રામવન પાસેની ખાણમાં કૂદીને આપઘાત કરવા જઈ રહ્યો છું.
મિત્રોની નજર સામે જ ઊંડી ખાણમાં છલાંગ લગાવી દીધી આ સાંભળતા જ મિત્રના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે તાત્કાલિક અન્ય બે-ત્રણ મિત્રોને જાણ કરી અને તમામે રામવન તરફ દોટ મૂકી હતી. મિત્રો જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે રોહિત ખાણની કિનારે ઉભો હતો. મિત્રોએ તેને જોઈ બૂમો પાડી, તેને સમજાવવાનો પ્રયાસ કર્યો અને એક મિત્રએ તો તેને પકડવા માટે દોડ પણ લગાવી પણ કમનસીબે રોહિતે કોઈનું જ સાંભળ્યું નહીં અને મિત્રોની નજર સામે જ ઊંડી ખાણમાં છલાંગ લગાવી દીધી હતી.
લગ્નના સપના જોતા પરિવારમાં માતમ છવાયો આ ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. રાત્રિના અંધારામાં ફાયર જવાનોએ ભારે જહેમત બાદ રોહિતનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે જોતા જ ઘટનાસ્થળે હાજર મિત્રો અને પરિવારજનોમાં કરુણ આક્રંદ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, રોહિત ચાર ભાઈ-બહેનોમાં બીજા નંબરનો હતો અને હજુ 4 મહિના પહેલા જ તેની સગાઈ થઈ હતી. લગ્નના સપના જોતા પરિવારમાં અત્યારે માતમ છવાયો છે. પ્રાથમિક તપાસમાં તે છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હોવાનું જાણવા મળ્યું છે