રાજકોટના એરપોર્ટ ગાર્ડન પાસે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં એક યુવાનનું કરુણ મોત નિપજ્યું છે. પુરપાટ ઝડપે આવતા અજાણ્યા બાઇક ચાલકે સામેથી આવતા બાઇકને જોરદાર ટક્કર મારતા યુવક હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયો હતો. આ ઘટનામાં 22 વર્ષીય જય વિશ્વકર્માએ ટૂંકી સારવાર બાદ દમ તોડતા નેપાળી સમાજ અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
શું છે સમગ્ર ઘટના? માધાપર ચોકડી પાસે આવેલા શુભમ પાર્ક વિસ્તારમાં રહેતો જય વિશ્વકર્મા 21 એપ્રિલના રોજ રાત્રે આશરે 11 વાગ્યે પિતાનું બાઇક લઈને કામઅર્થે બહાર નીકળ્યો હતો. જય જ્યારે ભોમેશ્વર વિસ્તારથી માધાપર ચોકડી તરફ જઈ રહ્યો હતો, ત્યારે એરપોર્ટ બગીચા પાસે સામેથી આવતા એક અજાણ્યા બાઇક ચાલકે તેને અડફેટે લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, સામેના ચાલકની ઝડપ એટલી પ્રચંડ હતી કે જયને બચવાની કોઈ તક મળી નહોતી.
સારવાર દરમિયાન નિપજ્યું મોત અકસ્માત બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જયને તાત્કાલિક 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેની નાજુક સ્થિતિને જોતા પરિવારે તેને ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડ્યો હતો, પરંતુ સ્વાસ્થ્યમાં સુધારો ન જણાતા તેને પુનઃ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. માતા-પિતાએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવતા હોસ્પિટલના પટાંગણમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો મૃતક યુવાનના પિતા નરેશભાઈની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસ અત્યારે એરપોર્ટ ગાર્ડન અને સાંઢીયા પુલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી ફરાર આરોપીને ઝડપી શકાય.