રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ SIR અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ચાલી રહી છે. 4 ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની છે, જ્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં માત્ર 80% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે 6 દિવસ જ બાકી છે, ત્યારે સમગ્ર વહીવટી તંત્ર આ કામગીરી પૂર્ણ કરવા માટે ઊંધા માથે થયુ છે. 29 અને 30 નવેમ્બર વિધાનસભા વાઇસ ખાસ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ સાથે જ મહત્વની વાત એ છે કે, અત્યારસુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 69310 મૃત મતદારો મળી આવ્યા છે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર અને જિલ્લામાં SIRની ઓલ અવર 80.95 ટકા કામગીરી થઈ છે. જેમાં સૌથી સારી કામગીરી જસદણ વિધાનસભા મતવિસ્તારમાં થઈ છે, જ્યાં અત્યારસુધીમાં 93.04 ટકા થઈ છે. જ્યારે બીજા ક્રમે 87.13 ટકા સાથે ધોરાજી છે. જ્યારે રાજકોટ પૂર્વમાં સૌથી ઓછી 73.53 ટકા કામગીરી થઈ છે. ગ્રામ્ય વિસ્તારની સાપેક્ષમાં શહેરમાં મતદારો મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ઓછો સહયોગ આપતા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં કુલ 23,91,027 મતદારો છે, જેમાંથી 19,35,491ના ફોર્મ ડિજિટલાઈઝ એટલે કે ઓનલાઇન ચડાવી દેવામાં આવ્યા છે. હજુ 4,55,536 મતદારોના ફોર્મ મેળવી ઓનલાઈન અપલોડ બાકી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 69,310 મૃત મતદારો મળી આવ્યા છે. જે બતાવે છે કે, આ વર્ષે ચૂંટણી પરિણામો ચોક્કસ અને પારદર્શક આવશે.