રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દર્દી સારવાર માટે આવ્યા ત્યારે ડોક્ટર ઉંઘતા જોવા મળ્યા હતા. જ્યારે દર્દીના સગા ડોક્ટરને જગાડી સારવાર આપવાનું કહેતા નજરે પડે છે. ત્યાર બાદ પણ ડોક્ટર ઉંઘમાં ફાઇલ વાંચતા જોવા મળે છે. રાત્રિ ડ્યુટી કરતા ડોક્ટરો અનેક વખત વિવાદમાં આવ્યા છે, ત્યારે વધુ એકવાર વીડિયો સામે આવતા ફરી સરકારી હોસ્પિટલ વિવાદમાં આવી છે. જે મામલે સિવિલ હોસ્પિટલના RMOએ તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલનો અંદાજે 2 દિવસ પહેલાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં હાથમાં ઇજા સાથે દર્દી અને તેના સગા હાડકાના વોર્ડમાં પ્રવેશે છે. આ દરમિયાન તબીબ સુતા હોય છે. જેથી દર્દીના સગા કહે છે કે સાહેબ 24 કલાક નોકરી કરે છે એટલે નીંદર આવતી હશે. જે બાદ દર્દીના સગા ડોક્ટરને ઉઠાડે છે અને કહે છે કે સાહેબ આ ફાઈલ જોવો, દર્દીને વધારે વાગ્યું છે તેમ છતાં પણ દાખલ કરવામાં નથી આવ્યો.
જેથી ડોક્ટર નીંદરમાંથી જાગી પૂછે છે કે શું વાગ્યું છે? ત્યારે દર્દીના સગા કહે છે કે યુવાનને બેઝબોલનો ધોકો મારવામાં આવ્યો છે અને તેને કારણે ઇજા થઈ છે. જેથી ડોક્ટર પૂછે છે કે રિપોર્ટ કરાવેલો છે? ત્યારે દર્દીના સગા કહે છે કે એક્સ રે કરાવેલો છે હવે શું કરવાનું છે એ કહો. જેથી ડોક્ટર કહે છે કે સોનોગ્રાફી કરાવતા આવો.