ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નો, વધતા કાર્યબોજ અને સેવા વિષયક માંગણીઓના યોગ્ય ઉકેલ માટે લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા કર્મચારીઓએ ‘માસ સી.એલ.’ પાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ છતાં, સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ કે ઉકેલ ન મળતા, આજથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યના રેવન્યુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.
કર્મચારીઓની આ અચોક્કસ મુદતની હડતાળના કારણે સરકારી કચેરીઓમાં જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હડતાળને પગલે મામલતદાર અને કલેક્ટર કચેરીઓમાં આવકના દાખલા, જાતિના દાખલા, વિધવા સહાય, રેશનકાર્ડની કામગીરી જેવી રોજબરોજની અને જનહિતની કામગીરીઓ પૂરી રીતે ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે દૂર-દૂરથી આવતા હજારો અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.