સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક એવા કાયમી ગ્રંથપાલ નિલેશ સોની 31 ઓક્ટોબરના નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે પરીક્ષા વિભાગમાં કોઈ અનુભવી અધિકારી ન આવે ત્યાં સુધી કેમેસ્ટ્રીના પ્રોફેસર મનીષ શાહને પરીક્ષા નિયામકનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. જ્યારે સોનીને પરીક્ષા વિભાગમાં OSD એટલે કે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેથી આ OSDને દર મહિને રૂ. 50,000નો પગાર આપવો પડશે નહીં. તે ખર્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વભંડોળમાંથી થશે કારણ કે, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કોમન યુનિવર્સિટી એક્ટના નવા સ્ટેચ્યુટ મૂજબ OSDની કોઈ જોગવાઈ જ નથી. આ ઉપરાંત ટિચિંગ વિભાગના અધ્યાપકને નોન ટીચિંગમાં ફરજ ન સોંપી શકાય એવો નિયમ હોવા છતાં કેમેસ્ટ્રીના પ્રોફેસર શાહને પરીક્ષા વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. જેનો પરિપત્ર કુલસચિવ દ્વારા કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. રમેશ પરમાર દ્વારા કરવામાં આવેલા પરિપત્ર મુજબ, મહેકમ-બ વિભાગના કાર્યાલય આદેશથી ગ્રંથપાલ એન. એન. સોનીને તેમની ફરજ ઉપરાંત પરીક્ષા નિયામકની જગ્યાનો વધારાનો હવાલો સોપવામાં આવેલ હતો. જોકે એન. એન. સોની તા.31/10/2024ના રોજ કાર્યાલય સમય બાદ સત્રાંત નિવૃત થાય છે. મહેકમ-(બ) વિભાગની નોંધ પર મળેલ આદેશ અનુસાર રસાયણશાસ્ત્ર ભવનના પ્રોફેસર ડૉ. મનીષ શાહને પરીક્ષા નિયામકની જગ્યાનો વધારાનો હવાલો તેમની મૂળ ફરજ ઉપરાંત તા.01/11/2024થી અન્ય આદેશ ન થાય ત્યા સુધી સોપવામાં આવે છે. તેઓએ ચાર્જ સાંભળ્યા અંગેની જાણ મહેકમ-(બ) વિભાગને કરવાની રહેશે.