પીપળિયાની નકલી સ્કૂલ કેસમાં હજુ સુધી એફઆઈઆર નહીં નોંધાતા શિક્ષણજગતમાં ફરી ચર્ચા જાગી છે. 05 જુલાઈના રોજ માલિયાસણ નજીક આવેલા પીપળિયા ગામમાં આવેલી ગૌરી સ્કૂલ છ-છ વર્ષથી કોઇપણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદે ધમધમતી હતી. સ્કૂલ સીલ કર્યાને પણ આશરે 10 દિવસ જેટલો સમય વીતી ગયો છતાં હજુ સુધી આ સ્કૂલના સંચાલકો સામે FIR દાખલ કરવામાં આવી નથી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશને અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ સ્કૂલ સીલ કરવામાં આવી ત્યારબાદ તુરંત જ નકલી સ્કૂલના પરપ્રાંતીય સંચાલક દંપતી ગામમાંથી સામાન લઈને ભાગી ગયા હતા. આ ઘટનામાં કાયદાકીય કાર્યવાહી કરવામાં ઢીલ થઇ રહી હોવાની સ્થિતિ સર્જાઈ છે.
નકલી સ્કૂલમાંથી કબજે કરેલા રાજકોટની જુદી જુદી 08 ખાનગી શાળાની માર્કશીટ અને લિવિંગ સર્ટિફિકેટ મુદ્દે અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી છે તે પણ હજુ સ્પષ્ટ નથી. બીજી બાજુ નકલી સ્કૂલ પકડાઈ તે જ દિવસે આ સ્કૂલના સંચાલક દંપતી સામે FIR કરવા માટે પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી કુવાડવા પોલીસ સ્ટેશન ગયા હતા. પરંતુ જે દસ્તાવેજો મળ્યા હતા તેમાં તેમનું નામ નહીં હોવાથી સીધી સંડોવણી સાબિત નહીં થતી હોવાથી વાલીઓના નિવેદન લેવાયા હતા અને તેમના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવનાર હતી પરંતુ હજુ સુધી દાખલ થઇ નથી. ગૌરી પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં ભણતા 35 વિદ્યાર્થીને સરકારી શાળામાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.