રૈયાધાર વિસ્તારમાં યુવક પર તેના કૌટુંબિક સભ્યોએ છરી અને લોખંડની ટોમીથી હુમલો કર્યો હતો. યુવકે પ્રેમલગ્ન કર્યા હોય તે મુદ્દે અને કૌટુંબિક કલેશને કારણે તેના પર હુમલો થયો હતો. રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતા કૌશલ નીતિનભાઇ મકવાણા (ઉ.વ.21)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિનેશ તુલસી મકવાણા, અજય દિનેશ મકવાણા, સુનિલ દિનેશ મકવાણા, ગીતા રમેશ સોલંકી અને સંગીતાના નામ અાપ્યા હતા. કૌશલ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલાં તેણે તેના ફઇના પુત્ર સુનિલ સોલંકીના પત્ની ગાયત્રીબેનના નાના બહેન વંદના સાથે પ્રેમલગ્ન કર્યા હતા જેથી સુનિલ સહિતનાઓ સાથે ત્યારે બોલાચાલી થતી હતી આ ઉપરાંત કૌટુુંબિક કાકા હસમુખભાઇ તથા કૌશલના મોટાબાપુ દિનેશભાઇને બોલવાના વ્યવહાર નથી અને કૌશલ કૌટુંબિક કાકા હસમુખભાઇ સાથે બોલતો હોય દિનેશભાઈએ તેની સાથે પણ વ્યવહાર રાખ્યા નહોતા.
તા.12ના સાંજે દિનેશ મકવાણા, તેનો મોટો પુત્ર સુનિલ, ગીતા રમેશ સોલંકી, તેની પુત્રી સંગીતા સોલંકી સહિતનાઓ ધસી ગયા હતા અને દિનેશે કૌશલના હાથની કલાઇ પર છરીના ઘા ઝીંકી દીધા હતા અને અજયે ટોમી પગમાં ફટકારી હતી. હુમલાથી દેકારો મચતાં અન્ય લોકો આવી ગયા હતા અને હુમલાખોર નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા કૌશલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.