27 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે?

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. રાજ્યમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું. અહીં મહત્તમ તાપમાન 42.5°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +2.8°C જેટલું ઊંચું છે. આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને હાલમાં બિહાર સુધી પહોંચી ગયું છે. આગામી 2થી 3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર તેમજ મહારાષ્ટ્રના વધુ ભાગોમાં પ્રવેશે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. 15 જૂન સુધીમાં સાઉથ-વેસ્ટ મોન્સૂન વિધિવત દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે.

રાહતની વાત એ છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યના કોઈ પણ ભાગમાં ભારે તોફાન કે કોઈ પણ પ્રકારની ‘વેધર વોર્નિંગ’ જાહેર કરવામાં આવી નથી. પરિણામે ચોમાસાની શરૂઆત ધીમે-ધીમે અને શાંતિપૂર્ણ રીતે થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

આજે 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે. આમાં રાજસ્થાન, એમપી, યુપી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. ગુજરાતને બાદ કરતાં બાકીના તમામ રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ છે.

બિહારના 12 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ થયો. ખગડિયા, સરસા, મધેપુરામાં વીજળી પડવાથી પતિ-પત્ની સહિત 9 લોકોના મોત થયા. યુપીમાં પ્રી-મોન્સૂનમાં 52 શહેરોમાં વરસાદ થયો. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ વરસાદ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *