રાજકોટમાં વધુ એક ડિમોલિશનની તૈયારી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક ડિમોલિશનની તૈયારી શરૂ કરવામાં આવી છે. વેસ્ટ ઝોનનાં અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક નવર્મિત ટ્વીન્સ ટાવર પાસેનાં હિંગળાજનગરમાં લાંબા સમયથી ખડકાયેલા 70 જેટલાં ઝુપડા ખાલી કરવા મહાપાલિકાએ નોટિસ આપી છે. તેમજ વિજીલન્સ વિભાગને સાથે રાખીને આ પ્લોટનું ડિમાર્કેશન પણ કરવામાં આવ્યું છે. જોકે અહીં રહેતા લોકો 50 વર્ષ કરતા વધુ સમયથી વસવાટ કરતા હોવાથી તેમને 15 દિવસમાં ખાલી કરવાની નોટિસ અપાતા ભારે રોષ જોવા મળ્યો છે. ચોમાસા બાદ આ કાર્યવાહી કરાય અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક આવેલો આ પ્લોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા હસ્તકનો છે. આ ટીપી પ્લોટમાં દાયકાઓ જૂની ઝૂંપડપટ્ટી આવેલી છે, જેને ખાલી કરાવવા મનપાએ અગાઉ પણ વહીવટી પ્રક્રિયા હાથ ધરી હતી, પરંતુ મામલો અદાલતમાં જતાં કામગીરી અટકી પડી હતી. તાજેતરમાં જ આ કાનૂની વિવાદનો ચુકાદો મહાનગરપાલિકાની તરફેણમાં આવતાં હવે તંત્ર માટે દબાણો દૂર કરવાનો માર્ગ મોકળો બન્યો છે.

આ જમીન પર પીપીપી ધોરણે આવાસ યોજના આકાર લેનાર છે, જેમાં મનપા દ્વારા 20 ટકા જગ્યા ફાળવવામાં આવશે. વેસ્ટ ઝોનના એટીપી ભાર્ગવ બારેવાડિયા દ્વારા સ્થાનિકોને કલમ 260-2 હેઠળ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા 15 દિવસની આખરી ચેતવણી આપવામાં આવી છે.

ઓગડભાઈ નામના સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, તેમને મકાન 15 જૂન સુધીમાં ખાલી કરવાની નોટિસ અપાઈ છે. જો નિયત સમયમાં મકાન ખાલી કરવામાં નહીં આવે તો મકાન પાડી નાખવા ચેતવણી પણ આપવામાં આવી છે. જોકે અમે છેલ્લા 70 વર્ષથી આ જગ્યા પર પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છીએ અને અહીં મારી 3 પેઢીઓ રહી ચૂકી છે. હાલ ચોમાસાની સિઝન નજીક હોવા છતાં તંત્ર દ્વારા આ પ્રકારે નોટિસ અપાતા અમારી મુશ્કેલી વધી ગઈ છે. પરિવાર સાથે ક્યાં જવું તે જ મોટો પ્રશ્ન છે. આક્રોશ સાથે તેમણે જણાવ્યું હતું કે, પોતે આ જગ્યા પર લાંબા સમયથી રહી રહ્યા હોવાથી અહીં જ રહેવા દેવામાં આવે તેવી મારી માગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *