ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે ભાજપે તેના 8 વોર્ડના 32 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના મોવડી મંડળની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ગહન મંથન બાદ આ યાદી જાહેર કરવામાં આવી છે.
પાર્ટીએ જ્યાં વિવાદ થયા એવા વોર્ડમાં રિપીટની થિયરી અપનાવી સ્થાનિક જાતિગત સમીકરણને સાંકળીને ચૂંટણી જંગ જીતવાનો રોડમેપ તૈયાર કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસે OBC અને મહિલા કાર્ડ રમી 5 વોર્ડના 20 ઉમેદવારો જાહેર કર્યા છે.
વોર્ડ-1માં બ્રાહ્મણ અને પ્રબુદ્ધ વર્ગને સાંકળવાનો પ્રયાસ
ભાજપની યાદીમાં વોર્ડ-1 માં શિલ્પાબેન કનુજી ઠાકોર, અંજનાબેન સુરેશભાઇ મહેતા, ગૌરાંગ સુરેશભાઇ પટેલ અને મહેશકુમાર નટુભાઇ ચૌધરી (મેટ્રો) પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ વોર્ડમાં ઠાકોર સમાજ અને પાટીદાર મતોનું પ્રભુત્વ વધારે છે. આ ઉમેદવારો પૈકી અંજનાબેન મહેતાને રિપીટ કરાયા છે. તેમને રિપીટ કરીને બ્રાહ્મણ અને પ્રબુદ્ધ વર્ગને સાંકળવાનો પ્રયાસ કરાયો છે. તો ગૌરાંગ પટેલ પાટીદાર સમાજના વોટબેંકને મજબૂત કરશે, જ્યારે મહેશકુમાર ચૌધરી (મેટ્રો) નામે શહેરી અને મેટ્રો વિસ્તારના નવ-વિકસિત ઝોનના મતદારોને આકર્ષવા માટે દાવ ખેલાયો છે, ત્યારે મહેશકુમાર ચૌધરી જાણીતા શિક્ષાપત્રી ગૃપના બિલ્ડર છે. કનુ દેસાઈ, મહેશ દેસાઈ અને અંકિત બારોટ વચ્ચે મેયર પદને લઈને ખેંચતાણ રહેવાની છે.