અશાંત ધારાની અરજીઓના ઝડપી નિકાલ માટે રેવન્યુ બારની પ્રાંત અધિકારીને રજૂઆત

રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા અશાંત ધારા હેઠળની મિલકત સંબંધિત અરજીઓના નિકાલમાં થતા વિલંબ અને અરજદારોને પડતી મુશ્કેલીઓ અંગે પ્રાંત અધિકારીને રૂબરૂ મળી વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. અશાંત ધારા હેઠળ મિલકતના વેચાણ માટે કરાતી અરજીઓના સમયસર નિર્ણય ન થવાથી અરજદારો અને વકીલોને અનેક વ્યવહારુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એસો.ના હોદ્દેદારોએ બેઠક યોજી પ્રક્રિયાને વધુ સરળ અને સમયબદ્ધ બનાવવાની માંગ કરી હતી. પ્રતિનિધિઓએ જરૂરી દસ્તાવેજોની તપાસ, સુનાવણી અને પ્રક્રિયામાં થતા વિલંબ અંગે રજૂઆત કરી તેના ઝડપી નિકાલ માટે વ્યવહારુ સૂચનો આપ્યા હતા. પ્રાંત અધિકારીએ રજૂઆતને હકારાત્મક રીતે સાંભળી અરજીઓનો વહેલી તકે નિર્ણય થાય તે માટે યોગ્ય પગલાં ભરવાની અને પ્રક્રિયાને અસરકારક બનાવવાની ખાતરી આપી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 90 અધ્યાપકોની ભરતી થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડમિક કાઉન્સિલની બેઠકમાં શિક્ષણ અને યુનિવર્સિટીના સુચારુ સંચાલનને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્યને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી 90 જેટલા અધ્યાપકોની નવી ભરતી કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે, જેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસ કાર્યમાં મોટી મદદ મળશે. આ ઉપરાંત, આરોગ્ય અને તબીબી શિક્ષણના ક્ષેત્રમાં નવો આયામ ઉમેરતા કેન્સર સંબંધિત નવા કોર્સને પણ બેઠકમાં સત્તાવાર બહાલી આપી દેવામાં આવી છે. બેઠકમાં આગામી આયોજન અંગે ચર્ચા કરતા યુનિવર્સિટીના 61 મા યુવક મહોત્સવનું નામાભિધાન કરીને તેને ‘હિરક સ્પંદન’ નામ આપવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તા. 9થી 11 ઓક્ટો. દરમિયાન આયોજીત યુવક મહોત્સવમાં કલા, સાંસ્કૃતિક અને સાહિત્ય વિભાગની 33 જેટલી વિવિધ ઈવેન્ટ્સ યોજાશે. જોકે, સંલગ્ન 5 જિલ્લાની 286 માંથી માત્ર 67 કોલેજોએ જ ભાગ લેવા માટે એન્ટ્રી નોંધાવી હોવાથી યુનિવર્સિટી દ્વારા રજીસ્ટ્રેશનની તારીખ 25 સપ્ટેમ્બરથી લંબાવીને 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે. આ મહોત્સવમાં વિજેતા સ્પર્ધકોને અનુક્રમે રૂ. 2500, રૂ. 1500 અને રૂ. 1000 ના રોકડ પુરસ્કાર, શીલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *