મસાલામાં ભેળસેળ સામે મનપાની લાલ આંખ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા બે મહિના પૂર્વે હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન વિજય પ્લોટમાં આવેલ ‘શ્રીનાથજી ટ્રેડર્સ’માંથી લેવાયેલા લાલ મરચાં પાવડર અને ધાણાજીરું પાવડરના નમૂનાઓ લેબોરેટરી તપાસ દરમિયાન ફેઇલ જાહેર થયા છે. લાલ મરચાં પાવડરમાં પ્રતિબંધિત પિંક કલર તેમજ મકાઈના સ્ટાર્ચની ભેળસેળ મળી આવી છે, જ્યારે ધાણાજીરું પાવડરમાં પ્રતિબંધિત નોન-પરમિટેડ કલરિંગ મેટર અને સિન્થેટીક ડાઈઝની હાજરી મળી આવતા તેને ‘ફેઈલ’ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે હવે ફૂડ વિભાગ દ્વારા વેપારીની સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આજે 48 વેપારી પેઢીઓ, હોટલો, કેન્ટીનો અને હોસ્ટેલોમાં પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં વધુ 662 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.

શ્રીનાથજી ટ્રેડર્સના નમૂના અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર
પ્રાપ્ત વિગત મુજબ અંદાજે બે મહિના પહેલા લેવાયેલા નમૂનાઓ પૈકી વિજય પ્લોટ-18, જય ખોડિયાર ખાતે આવેલ “શ્રીનાથજી ટ્રેડર્સ” માંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના 2 નમૂના પૃથ્થકરણ રિપોર્ટ બાદ ફેઇલ જાહેર થયા છે. જેમાં “લાલ મરચાં પાવડર (લૂઝ)” ના નમૂનામાં પ્રતિબંધિત કલરિંગ મેટર તરીકે પિંક અને ઓરેન્જ કલરની નોન-પરમિટેડ ઓઈલ સોલ્યુબલ સિન્થેટીક ડાઈઝની હાજરી મળી આવી હતી, જે “અનસેફ ફૂડ” સાબિત થયું છે. ઉપરાંત માઈક્રોસ્કોપિક તપાસમાં મરચાંના પાવડરમાં પુષ્કળ પ્રમાણમાં મકાઈનો સ્ટાર્ચ મિશ્રિત થયેલો મળી આવતા તે “સબસ્ટાન્ડર્ડ” પણ જાહેર થયો છે.

આમ, આ નમૂનો “અનસેફ તથા સબસ્ટાન્ડર્ડ” જાહેર થતાં પેઢી સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ આ પેઢીમાંથી લેવાયેલ “ધાણાજીરું પાવડર (લૂઝ)” નો નમૂનો પણ પ્રતિબંધિત નોન-પરમિટેડ ઓઈલ સોલ્યુબલ યલો અને બ્લૂ સિન્થેટીક ડાઈઝની ક્ષતિને કારણે “અનસેફ ફૂડ” જાહેર થયો છે અને તેની સામે પણ પ્રોસિક્યુશન કેસ હેઠળ કાનૂની પગલાં લેવાશે.

બ્લિંક કોમર્સમાંથી 596 કિલો પડતર શાકભાજી-ફળો જપ્ત
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન હરિનગર, સાધુ વાસવાણી રોડ પર સ્થિત ‘BLINK COMMERCE PVT. LTD.’ ખાતે તપાસ કરતા પેઢીમાં સંગ્રહાયેલો અંદાજે 596 કિલો લેબલ વગરનો, સપ્લાયર કે ઉત્પાદકની વિગતો વગરનો અને યુઝ બાય ડેટ દર્શાવ્યા વિનાનો પડતર શાકભાજી તથા ફ્રુટનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ જથ્થાનો SWM શાખાના ટીપર વાન દ્વારા સ્થળ પર જ નાશ કરાયો હતો તથા અસ્વચ્છતા અને સંગ્રહ બાબતે નોટિસ આપી રૂ. 10,000 નો દંડ વસૂલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *