રાજકોટ મનપામાં જીપીએમસી એકટ મુજબ અમલમાં રહેલી વોર્ડ સમિતિઓને લાંબી ચર્ચાઓ બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. મેયર નેહલ શુકલ અને ચેરમેન પરેશ પીપળીયા દ્વારા હવે વોર્ડ કક્ષાએથી નાગરિકો અને નગરસેવકો દ્વારા રજૂ થતા પ્રાથમિક સુવિધાના કામો સીધા સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થશે. નવી વ્યવસ્થા મુજબ દર મહિનાની 1 થી 18 તારીખ દરમિયાન સંબંધિત વોર્ડ ઓફિસે મીટિંગ યોજાશે, જેના રોજકામ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે.
આજરોજ યોજાયેલી બેઠકમાં વોર્ડ નં. 5, 8, 10, 11, 12, 13, 15, 17 અને 18ના રોજકામ ધ્યાને લઈ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં રસ્તા, ગટર, પાણી, લાઈટ, સ્વચ્છતા અને દબાણ દૂર કરવા જેવા વિવિધ પ્રાથમિક સુવિધાઓના કામોને અગ્રતા આપવામાં આવી છે. વોર્ડ નં. 5માં આરસીસી અને પેવર બ્લોક, વોર્ડ નં. 8માં ટ્રાફિક તથા દબાણ, વોર્ડ નં. 10માં નવી મુખ્ય વોર્ડ ઓફિસ તથા પાઈપલાઈન, વોર્ડ નં. 11માં પાણી અને વોંકળાની દીવાલ, વોર્ડ નં. 12માં ન્યુસન્સ પોઈન્ટ અને ગેરકાયદે બાંધકામ, વોર્ડ નં. 13માં લાઈબ્રેરી- સર્કલ ડેવલપમેન્ટ અને વોર્ડ નં. 18માં બ્રિજ પહોળો કરવા તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંગે રજૂઆતો થઈ હતી. ચેરમેને તમામ દરખાસ્તો મંજૂર કરી અધિકારીઓને પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવા સૂચના આપી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાંચ દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં આવેલી મિલકતોનો ડેટાબેઝ અદ્યતન કરવા માટે એક ખાનગી એજન્સીને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. આવતા સોમવાર, તા. 28થી શરૂ થનારા સર્વે દરમિયાન એજન્સીની ટીમો ઘરે-ઘરે જઈ મિલકતોનું જીઓ-ટેગિંગ, સરનામું, મિલકતધારકનો મોબાઈલ નંબર અને વોટર કનેક્શન જેવી વિગતો મોબાઈલ એપ્લિકેશન મારફતે અપડેટ કરશે. કામગીરી માટે સર્વેયરને મનપાના સિક્કા અને QR કોડવાળું વિશેષ આઈ-કાર્ડ આપવામાં આવ્યું છે, જેને સ્કેન કરીને તથા મનપાની વેબસાઈટ પરથી કર્મચારીની ઓળખ ચકાસી શકાશે. મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે આ સર્વે માત્ર રેકોર્ડ અપડેટ કરવા માટે છે. સર્વે કરનાર કર્મચારીને વેરો ઉઘરાવવાની કે આકારણી બદલવાની કોઈ સત્તા નથી. નાગરિકોએ કોઈ પણ બેંક ડિટેઈલ, OTP કે નાણાકીય વ્યવહાર કરવાનો રહેશે નહીં. આઈ-કાર્ડ વગરના વ્યક્તિને પ્રવેશ ન આપવા અને કોઈ શંકાસ્પદ જણાતા કોલ સેન્ટર નંબર 155304 પર સંપર્ક કરવા લોકોને અનુરોધ કરાયો છે.