રાજકોટમાં ઓનલાઈન ફ્રોડમાં લોકોએ ગુમાવેલા નાણા પરત અપાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સુસજ્જ છે, જેમાં હોટેલ બૂકિંગમાં ડિસ્કાઉન્ટની ઓફર આપી 2.87 લાખનું ફ્રોડ થયું છે. જ્યારે સેલિબ્રિટીને લાઈક કરી, હોટેલોને ઓનલાઇન રેટિંગ આપી, આકર્ષક વળતરની લાલચમાં, ન્યૂડ વીડિયો કોલમાં નાણા ગુમાવતા લોકો સામે આવ્યા છે. જોકે, આ તમામ કિસ્સાઓમાં પોલીસ અરજદારોને પૂરું વળતર અપાવી શકતી નથી અને મોટાભાગનાં વળતર કોર્ટ કાર્યવાહી બાદ જ મળે છે.
હોટલ બુકિંગના નામે 2.87 લાખ પડાવ્યા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રીજેશકુમાર ઝા તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહીલે સાયબર ક્રાઇમ ફ્રોડના ભોગ બનનાર નાગરીકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદની ઉંડાણ પૂર્વક તપાસ કરી તેઓને સંપુર્ણ રકમ પરત અપાવવા માટે સૂચનાઓ આપી હતી. જે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના મદદનીશ પોલીસ કમિશનર ભરત બી. બસીયા તથા પોલીસ ઇન્સપેકટર એમ.એ.ઝણકાંત, પો.ઇન્સ. આર.જી. પઢિયાર તથા પો.ઇન્સ. કે.જે.મકવાણાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની નાણાકીય ફ્રોડ ડિટેક્શન ટીમ સતત પ્રયત્નશીલ છે. રાજકોટના અરજદાર અશોકભાઇ જે આઇસીઆસીઆઇ બેંકનું ક્રેડિટ કાર્ડ ધરાવતા હતા. અરજદારના ભાઇ દર્શનને રાજસ્થાનના જયપુર મુકામે ફેમિલી સાથે ફરવા જવા માટે પ્લાન કર્યો હતો. જેને લઇને હોટેલ બુકિંગ માટે તેઓ લેમન હોટલ ટ્રી જયપુર ગુગલ પર સર્ચ કરી આપ્યું હતું. અજાણ્યા મોબાઇલ નંબર પર ફોન કરી સંપર્ક કરતા સામવાળાએ લેમન હોટલ ટ્રીમાંથી વાત કરી છે તેમ પોતાની ઓળખ આપતા અરજદારના ભાઇએ હોટલવાળા હશે તેમ માની વિશ્વાસ કરી તેમની સાથે હોટેલ બુકિંગ માટે વાત કરી હતી. જેથી સામાવાળાએ કહેલ કે, બુકિંગ માટે આઇસીઆઇસીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડ પર 20 ટકા ડિસ્કાઉન્ટની ઓફર છે. અરજદારના ભાઇ આઇસીઆઇસીઆઇ ક્રેડિટ કાર્ડ વાપરતા ન હતા.
પરંતુ અરજદાર વાપરતા હોય જેથી તેમના ભાઇએ ફોન કરીને ક્રેડિટ કાર્ડ મોકલવા જણાવતા અરજદારે વોટ્સએપ પર ક્રેડિટ કાર્ડની ડીટેઇલ મોકલી આપી હતી. આ ડિટેલ્સ તેઓના ભાઇએ સામાવાળા માંગતા તેમને આપી હતી. જે બાદ ઓટીપી માટે અરજદારને કોન્ફરન્સમાં લઇ જણાવતા અરજદારે તેમના મોબાઇલ નંબર પર આવેલ ઓટીપી તેમના ભાઇના કહેવાથી આપ્યો હતો. બાદમાં સામાવાળાએ ફોન કાપી નાખ્યો બાદ તુરત જ તેમના ક્રેડિટ કાર્ડમાંથી અલગ અલગ કુલ 2,87,543 ઉપડી ગયાના મેસેજ આવતા તેઓની સાથે ફ્રોડ થયાની જાણ થઈ. જેથી તેઓએ સાયબર ક્રાઇમ નાણાકીય છેતરપિંડી સંબંધે સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરીને એનસીઆરપી પોર્ટલ પર અરજી આપતા રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અરજદારના ગયેલ નાણા પૈકી સામાવાળાના બેંક એકાઉન્ટસ સીઝ કરી દીધું હતું. જેથી તે નાણા સામાવાળાના બેંક એકાઉન્ટમાં બ્લોક થઇ જતા અરજદારને કોર્ટમાં અરજી કરાવી હતી અને કોર્ટ હુકમ દ્વારા અરજદાર સાથે થયેલ ફ્રોડમાં ગયેલા નાણા પૈકી સામેવાળાના બેંક એકાઉન્ટમાંથી અરજદારના બેંક એકાઉન્ટમાં રૂપિયા 2,09,300 પરત અપાવ્યા છે.