ઉપલેટામાં ત્રણ વર્ષથી હિન્દુ -મુસ્લિમ બાળકો સાથે મળી ઉજવી રહ્યા છે ધાર્મિકોત્સવ

ઉપલેટા શહેરમાં કોમી એકતા અને ભાઈચારાનું એક અત્યંત સુંદર ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે. ઉપલેટામાં આવેલા કમલેશ્વર મહાદેવના મંદિર પાસે સ્થાનિક લોકો અને બાળકો દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજનની સૌથી મોટી અને નોંધનીય વિશેષતા એ છે કે તેમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના નાના બાળકો જ એક સાથે મળીને ગણપતિ બાપ્પાની આરાધના કરી રહ્યા છે. “કમલેશ્વર મિત્ર મંડળ’ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં બાળકો જ તમામ પૂજા-અર્ચના કરે છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કાર્યક્રમ 12 થી 13 વર્ષના નાના બાળકો દ્વારા જ ચલાવવામાં આવે છે. અહીં કોઈપણ પ્રકારનો હિન્દુ કે મુસ્લિમ ધર્મનો ભેદભાવ રાખવામાં આવતો નથી.

તમામ બાળકો એકદમ હળીમળીને ઉત્સવની ઉજવણી કરે છે અને ગણેશજીની પૂજાથી લઈને તમામ સેવાકીય અને વ્યવસ્થાપનના કાર્યો બાળકો જાતે જ સંભાળે છે. બાળકો દ્વારા જ આ બધું કામ શાંતિપૂર્ણ રીતે અને ભક્તિભાવથી કરવામાં આવે છે.

સાથે મળીને ઉજવણી કરવાનો વિચાર મુસ્લિમ‎બાળકને આવ્યો હતો‎
ઉપલેટાની સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અને આ મંડળના સક્રિય સભ્ય એવા મુસ્લિમ બાળક અસ્લમ મેહમુદભાઈ ઘોઘારીએ પોતાના પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા હતા. અસ્લમે જણાવ્યું હતું કે તે પોતે એક મુસ્લિમ હોવા છતાં હિન્દુઓના તમામ તહેવારો ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાથી ઉજવે છે.

સમાજમાં કોમી એકતા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી તે આ ગણપતિ મહોત્સવમાં જોડાયો છે અને બાપ્પાની પૂજા-સેવા કરે છે. અસ્લમે વધુમાં ઉમેર્યું હતું કે, અન્ય લોકોના મનમાં કદાચ હિન્દુ-મુસ્લિમ અંગે ભેદભાવ હોઈ શકે છે, પરંતુ તેના મનમાં એવો કોઈ જ ભેદભાવ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *