રાજકોટ ઓબ્સ્ટેટ્રિક્સ ગાયનેકોલોજિકલ સોસાયટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળાઓની 30 દીકરીની એનેમિયા નાબૂદી અંતર્ગત હિમોગ્લોબિલની તપાસણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમના પ્રારંભે મેયર નેહલ શુક્લ, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પૂજારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 30 દીકરીઓને એનેમિયા હોવાનું સામે આવતા તેને લોહતત્વની ટેબલેટ આપવામાં આવી હતી અને લીલા શાકભાજી સહિતના લોહતત્વ યુક્ત ખોરાક ગ્રહણ કરવાની સલાહ આપવામાં આવી.
જે દરમિયાન તબીબના કહેવા પ્રમાણે હાલ કિશોરીઓમાં PCOD (પોલિસિસ્ટિક અંડાશય રોગ) ની ગંભીર સમસ્યા છે. જેને લીધે દીકરી 10 વર્ષની થાય ત્યારે જ માસિક સ્ત્રાવ શરૂ થઈ જાય છે અને 3 થી 7 દિવસને બદલે વધુ દિવસ રક્ત સ્ત્રાવ થાય છે. જેનું કારણ જંકફુડ છે. આ ઉપરાંત કેન્સર સહિતના ગંભીર રોગોથી બચવા 15 વર્ષની વયે જ દીકરીઓની સાથે દીકરાઓને પણ HPV રસી આપવી જોઈએ. જેથી આવનારી પેઢીને કેન્સરના જીવલેણ રોગથી બચાવી શકાશે.
700 દીકરીઓના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
રાજકોટ ગાયનેક સોસાયટીના પ્રમુખ અને ગુજરાતની પબ્લિક અવેરનેસ કમિટીના ચેરમેન ડૉ.દર્શના પંડ્યાએ જણાવ્યું હતું કે, છેલ્લાં 24 વર્ષથી મારી પ્રાઈવેટ હોસ્પિટલ છે. આજે શાળા નં.69 સરોજિની નાયડુ શાળામાં એનેમિયા મુક્ત અભિયાન અંતર્ગત સરકારી સ્કૂલની 700 દીકરીઓના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવાકીય ક્ષેત્રે 25 વર્ષ થઈ રહ્યા છે ત્યારે અમારી નેશનલ સોસાયટી છે ‘ફોગસી’ (FOGSI). એ સમગ્ર NGO અને સરકારના સેવાકીય પ્રકલ્પોના સાથ-સહકારથી કિશોરીઓમાં એનેમિયા ન થાય એટલે કે લોહીની ઉણપ ન થાય તે માટે ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમને જરૂર હશે એમને દવાઓ પણ આપવામાં આવશે. એની સાથે ખોરાક અંગે માર્ગદર્શન આપીએ છીએ. જેથી કરીને એ સુપોષિત થાય. દીકરી સુપોષિત થશે તો આવનારું બાળક પણ એ જ્યારે માતા બનશે ત્યારે સુપોષિત થશે.