1થી 7 સપ્ટેમ્બર હળવાથી મધ્યમ વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં 1 મિમીથી લઈને 10 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી-વલસાડમાં વધુ છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ (1થી 7 સપ્ટેમ્બર) દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દિવસો દરમિયાન કોઈપણ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ નથી. અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે.

સપ્ટેમ્બર મહિના માટેના આઉટલુક મુજબ, રાજ્યમાં વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે, જ્યારે મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 514.1 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 600.9 મિમી કરતાં 14% ઓછો છે. અમદાવાદમાં અત્યાર સુધી 595.3 મિમી વરસાદ થયો છે, જે સામાન્ય કરતાં 3% ઓછો છે.

દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે, હળવા વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટના કારણે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 15થી 20 નોટની ઝડપે પવન ફૂંકાશે, જે વધીને 25 નોટ સુધી પહોંચી શકે છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી 12 કલાક દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાશે અને તેની ઝડપ પણ 15થી 20 નોટ રહેવાની સંભાવના છે, જે 25 નોટ સુધી જઈ શકે છે.

સક્રિય વરસાદી સિસ્ટમ ગંગાના પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, ઝારખંડ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા સક્રિય છે. ચોમાસુ ટ્રફ હાલમાં જમ્મુ, ચંદીગઢ, શાહજહાનપુર થઈને પસાર થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતથી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સુધી ફેલાયેલી ટ્રફ સિસ્ટમ પણ હજુ યથાવત્ છે, જેના કારણે રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમી પવનો સ્થિર થયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *