સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેર અને જિલ્લામાં ગત ઓગષ્ટ માસમાં 14,453 મિલ્કતોનું વેંચાણ થયું છે. આ મિલ્કતોના દસ્તાવેજો અને નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતા તેની ફી અને સ્ટેમ્પ ડયુટીની રૂ.86.79 કરોડની આવક રાજય સરકારને થઈ છે. જેમાં આ વખતે પણ શહેરનો મોરબી રોડ વિસ્તાર મિલ્કતોના ખરીદ-વેંચાણમાં એવરગ્રીન હોવાનું સામે આવ્યું છે.
મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 2,537 મિલ્કતોનું વેંચાણ થયું છે. જયારે રૈયા વિસ્તારમાં 987, રાજકોટ-1માં 923, મવા વિસ્તારમાં 900, મવડીમાં 1,215, કોઠારીયામાં 923 અને રાજકોટ રૂરલમાં 811 મિલ્કતોનું વેંચાણ થયુ છે. જયારે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જસદણમાં 471, ધોરાજીમાં 326, ઉપલેટા વિસ્તારમાં 480, જેતપુરમાં 699, લોધીકા તાલુકામાં 813, રતનપરમા 1,112, કોટડાસાંગાણી તાલુકામાં 545, વિછીંયા તાલુકામાં 54, ગોંડલ તાલુકામાં 1219, જામકંડોરણામાં 85 અને પડધરી તાલુકામાં 353 મિલ્કતોનું વેંચાણ થયું છે. આમ જિલ્લામાં 14,453 મિલ્કતોનું વેંચાણ થવા પામેલ છે.
જેના દસ્તાવેજોના રજીસ્ટ્રેશન જિલ્લાની 18 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં થતા તેની ફી રૂ.12,21,69,340 અને સ્ટેમ્પ ડયુટીની રૂ.74,58,12,526 મળી કુલ રૂ.86,79,81,866ની આવક રાજય સરકારને થવા પામી છે. સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ એ રીયલ એસ્ટેટ ક્ષેત્રે હબ તરીકે ઉભરી આવ્યું છે. શહેરમાં નવા નવા વિસ્તારોનો દિન-પ્રતિદિન સમાવેશ થઇ રહ્યો છે.
પરિણામે સૌરાષ્ટ્રના પાટનગરની હદ ઉતરોતર વિસ્તરી રહી છે. તેની સાથે ગ્રામ્ય પ્રજા પણ રાજકોટમાં આવીને વસવા લાગી છે.રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તાર અને રિંગ રોડની આસપાસના વિસ્તારો જેવા કે મવડી, મવા, રૈયા અને મોરબી રોડ તરફ નવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ અને જમીન-મકાનની ખરીદીનું પ્રમાણ ખૂબ જ વધારે છે.