રાજકોટની મહિલાએ 5 વર્ષ પહેલા પોતાના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ ગોંડલના સંજય મનસુખભાઈ કંડોલીયાએ પોતે અપરણિત હોવાનું કહી લગ્નની લાલચ આપી છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં અને અલગ અલગ રિસોર્ટમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાદમાં લગ્ન કરવાનું કહેતા ઇન્કાર કરી તરછોડી દેતા મહિલાએ ફરિયાદ નોંધાવતા રાજકોટ મહિલા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. મહિલાને બે માસનો ગર્ભ રહી જતાં આરોપીએ ધાકધમકી આપી ગર્ભપાત કરાવી અને બાદમાં ગર્ભપાતના ત્રીજા જ દિવસે ફરી શરીર સંબંધ બાંધી શારીરિક શોષણ કર્યાંનો પણ આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે.
લગ્ન કરવાની ખાતરી આપી શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કર્યું વર્ષ 2020માં છૂટાછેડા મેળવી ચૂકેલી અને એક સંતાન ધરાવતી મહિલા પોતાના બાળકના સારા ઉછેર માટે પુનઃલગ્ન કરવા ઈચ્છતી હતી. જે માટે તેણે પોતાના પરિચિતોને યોગ્ય યુવાન શોધવા જણાવ્યું હતું. આ દરમિયાન વર્ષ 2022માં ગોંડલના નવાગામમાં રહેતા 38 વર્ષીય સંજય મનસુખભાઈ કંડોલીયાએ મહિલાનો સંપર્ક કર્યો હતો. સંજયે પોતે અપરિણીત અને કારખાનું ધરાવતો હોવાની ખોટી ઓળખ આપી મહિલા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મહિલા આ વિશ્વાસમાં આવી જતાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને ત્યારબાદ સંજયે પ્રેમજાળમાં ફસાવી ટૂંક સમયમાં જ લગ્ન કરી લેવાની ખાતરી આપી મહિલા સાથે શારીરિક સંબંધો બાંધવાનું શરૂ કર્યું હતું.
સંજય બે બાળકનો પિતા હોવાની માહિતી મળી ત્યારબાદ આરોપી સંજય અવારનવાર લગ્નનું વચન આપી મહિલાને રાજકોટ તેમજ અલગ અલગ રિસોર્ટ અને હોટેલમાં લઈ જઈ તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરતો હતો. અને જ્યારે મહિલા લગ્ન માટેની વાત કરતી ત્યારે આરોપી કોઈને કોઈ બહાના બતાવી વાત ટાળી દેતો હતો. સતત બહાનાબાજીથી મહિલાને શંકા જતાં તેણે પોતાના સ્તરે તપાસ કરી હતી, જેમાં સંજય પરણિત હોવાની અને તેને બે બાળક હોવાની વિગતો જાણવા મળી હતી.
બ્લેકમેઈલ કરીને શરીર સંબંધ બાંધ્યો પોતાની પોલ ખૂલી ગયા પછી પણ સંજયે મહિલાને સાંત્વના આપી લગ્ન કરી લેશે તેવા ખોટા આશ્વાસન આપતો હતો. આ પછી ફરિયાદીએ પૂછતા સંજય ગુસ્સે થયો હતો અને ગાળાગાળી કરીને કહ્યું હતું કે તારા પ્રાઈવેટ ફોટો અને વીડિયો મોબાઈલમાં છે જો તારા ઘરે વાત કરીશ તો આ બધું વાયરલ કરી દઈશ. આ રીતે બ્લેકમેલ કરી શરીર સબંધ બાંધતો હતો. આ પછી સંજય પોતે શાપરમાં નોકરી કરતો હોવાથી તેણે ફરિયાદીને શાપરમાં જ દુકાન કરાવી આપી હતી અને દુકાનમાં પણ આવીને શરીરસંબંધ બાંધતો હતો.