રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કતલના ઇરાદે લઈ જવાતા 11 પશુઓને બચાવવામાં આવ્યા હતા. જ્યારે HDFC બેંકના મેનેજર સામે 3.90 લાખની છેતરપિંડીની FIR થઈ છે તો કનકનગરમાં યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઉપરાંત રસોઈ બનાવતા દાઝી જતી મહિલાનું સારવારમાં મોત નિપજ્યું હતું.
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને મળેલી માહિતીના આધારે 17 ઓક્ટોબરના ભગવતીપરા વિસ્તારમાં મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી નંબર GJ-03-BV-6763 રોકીને તપાસ કરવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ, ગાડીમાં કતલના ઇરાદે પશુઓ લઈ જવામાં આવતા હોવાની આશંકા હતી.આશરે બપોરે 2 વાગ્યાના અરસામાં ગાડી નજરે પડતાં તેને અટકાવી તપાસ કરતાં તેમાં ક્રૂરતાપૂર્વક ભરેલાં કુલ 11 પશુઓ મળી આવ્યા હતા. જેમાં 9 પાડા અને 2 ભેંસનો સમાવેશ થાય છે. આ પશુઓને વાંકાનેરથી રાજકોટના સદર બજાર વિસ્તારમાં લઈ જવામાં આવતા હોવાની માહિતી સામે આવી છે.આ મામલે અફઝલ લાખા અને હનીફ સિંદાત સામે રાજકોટના B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ક્રેડિટ કાર્ડ અને કાર લોનના કેસનું સેટલમેન્ટ કરાવી આપવાના બહાને છેતરપિંડી
રાજકોટમાં એચડીએફસી બેંકમાં ક્રેડિટ કાર્ડ અને કાર લોનના કેસનું સેટલમેન્ટ કરાવી આપવાના બહાને રૂ.3.90 લાખ મેળવી બેંકમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી મનોહરસિંહ બારૈયાના જણાવ્યા મુજબ, તેમના પરિચિત અને HDFC બેંકના એગ્રી મેનેજર તરીકે ફરજ બજાવતા યોગેશકુમાર ગોસાઈએ ગીતાબેન મોઢવાડિયાના ક્રેડિટ કાર્ડ અને કાર લોનના બે કેસનું સમાધાન કરાવી આપવાનું કહી રૂ.3.90 લાખ રોકડા લીધા હતા. જોકે, બેંકમાં તપાસ કરતાં આ રકમ જમા ન કરાવ્યાનું સામે આવ્યું હતું. બાદમાં યોગેશકુમારે નાણાં અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાની કબૂલાત કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.ફરિયાદીનો આક્ષેપ છે કે, સેટલમેન્ટ માટે ફરીથી બેંકમાં નાણાં ભરવા પડ્યા હોવા છતાં આરોપીએ મૂળ રકમ પરત આપી નથી. આ મામલે ફરિયાદીએ પોલીસ સમક્ષ અરજી કર્યા બાદ યોગેશકુમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.