સફાઇ કર્મીના પગાર, બોનસ અને ભરતીના પ્રશ્નો ઉકેલવા સૂચના

ભારત સરકારના સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અંજના પંવાર આજે રાજકોટના પ્રવાસે આવ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજકોટ મહાનગર તેમજ જિલ્લાના સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ, સફાઈ કર્મચારી યુનિયનો, સંગઠનો, રાજકીય-સામાજિક અગ્રણીઓ, સફાઈ કર્મચારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજકોટના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા અને તેમના પગાર સહિતના પ્રશ્નો અંગે તથા ભરતીમાં દાવેદારીના મુદ્દે રજૂઆત કરી હતી. જેના નિરાકરણ માટે ઉપાધ્યક્ષ પંવારે સૂચના આપી હતી, પરંતુ તે મુજબનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવાય તેવી કોઇ શક્યતા ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

કલેક્ટર કચેરીની બેઠકમાં ઉમટી પડેલા કોન્ટ્રાક્ટ બેઝ સફાઇ કામદારોએ છેલ્લા 10 વર્ષથી પીએફ, બોનસ નહીં અપાતા હોવાની, ઇએસઆઇનો લાભ મળતો ન હોવાની અને પગાર પણ રૂ.7000ના સ્થાને રૂ.4000થી 4500 મળતો હોવાની રજૂઆત કરી હતી. જેના અનુસંધાને ઉપાધ્યક્ષ પંવારે 15મી સુધીમાં આ સફાઇ કામદારોના ખાતામાં તેમના લાભો જમા ન થાય તો એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા સૂચના આપી હતી. તેમજ કોન્ટ્રાક્ટવાળા સફાઇ કામદારોએ મહાનગરપાલિકામાં 532 સફાઇ કામદારની ભરતીમાં દાવેદારી એટલે કે જે અરજદારના માતા-પિતાની પેન્શન બુક હોવી જોઇએ તે જ અરજદાર ફોર્મ ભરી શકે તેમ હોય તમામને મુક્તિ આપવા રજૂઆત કરી હતી. આથી ઉપાધ્યક્ષ પંવારે આ ભરતીમાં તમામ ઉમેદવારો અરજી કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.

આ મુદ્દે મહાનગરપાલિકાના પર્યાવરણ ઇજનેર નિલેશ પરમારનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં પાંચ એજન્સી કામ કરી રહી છે. ઉપાધ્યક્ષને ફરિયાદ કરનારાઓએ તેમને કેટલો પગાર ઓછો મળ્યો છે, કઇ એજન્સી ઓછો પગાર આપે છે, સહિતની વિગતો પાસબુક સહિતના આધારો સાથે અમારી સમક્ષ રજૂ કરવી જોઇએ. જે હજુ સુધી કોઇએ રજૂ કરી નથી. તેમજ મહાનગરપાલિકામાં સફાઇ કામદારની ભરતીમાં એક જૂથ દાવેદારીના નિયમની ભરતી કરે છે અને એક જૂથ વિરોધ કરે છે? આથી સ્ટેન્ડિંગમાં જે નિર્ણય લેવાયો છે તે મુજબ ભરતીમાં દાવેદારીનો નિયમ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *