પંજાબી સબ્જી, પિત્ઝા, સેન્ડવીચના ભાવમાં તોતિંગ વધારો આવશે

રાજ્ય સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટરના વપરાશ પર મૂકેલા પ્રતિબંધની સીધી અસર હવે ખાણીપીણીના બજેટ પર પડશે. અત્યાર સુધી નાના લારી-ગલ્લાં, કેફે અને ક્લાઉડ કિચનમાં એનાલોગ પનીર-ચીઝ-બટરનો ઉપયોગ થતો હતો, જેના કારણે ગ્રાહકોને વાનગીઓ વ્યાજબી ભાવે મળતી હતી, પરંતુ હવે ફરજિયાત શુદ્ધ ‘મિલ્ક પનીર’ અને ઓરિજિનલ ચીઝ-બટર વાપરવું ફરજિયાત બનતાં લોકોને દરેક વાનગી પર રુ. 20થી 60 સુધીનો ભાવવધારો ચૂકવવો પડશે.

પનીર, ચીઝ અને બટરના ઉપયોગથી બનતી પંજાબી સબ્જી, સેન્ડવીચ અને પિત્ઝા મોંઘા થશે. પનીર બટર મસાલા જે અત્યાર સુધી 220 રૂપિયામાં મળતું હતું તે હવે 260 રૂપિયા, જ્યારે 200 રૂપિયાની ચીઝ ક્લબ સેન્ડવીચ વધીને 240 રૂપિયા સુધી પહોંચી જશે તો માર્ગરીટા પિત્ઝાનો ભાવ 150થી 180 સુધી પહોંચી જશે. આમ, અસલી સ્વાદ અને સ્વાસ્થ્ય માટે લોકોએ વધારે પૈસા ખર્ચવા પડશે.

દક્ષિણ ગુજરાતમાં આશરે 3,000 હોટેલ-રેસ્ટોરન્ટ અને એકલા સુરત શહેરમાં 5000થી વધુ લારી, ક્લાઉડ કિચન અને નાના આઉટલેટ્સ છે, જ્યાં દૈનિક ટનબંધ ચીઝ-પનીર વપરાય છે. દક્ષિણ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય ખૂબ જ આવકારદાયક છે. જે નાના વેપારીઓ કે રેસ્ટોરન્ટ્સ અત્યાર સુધી પોતાની રેસિપી મુજબ એનાલોગ પનીર વાપરતા હતા, તેમને હવે ફરજિયાત મિલ્ક પનીર જ વાપરવું પડશે. જોકે, જે મોટા રેસ્ટોરન્ટ્સ પહેલેથી જ ઓરિજિનલ મિલ્ક પનીર વાપરતા હતા, તેમના ભાવમાં કોઈ ફેરફાર નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *