ભારે વરસાદને કારણે રાજ્યમાં કેટલાક રસ્તાઓ ધોવાઈ ગયા છે. અમદાવાદ જવા માટે બાવળા પાસેનો રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત અન્ય રસ્તાઓ પણ બંધ છે. જેને કારણે રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની આજે 26 જુલાઈની 140 ટ્રીપ રદ કરવામાં આવી છે.
એક ટ્રિપમાં મિનિમમ 45 મુસાફરો ગણીએ તો પણ 7 હજાર મુસાફરોએ હાલાકી ભોગવી છે. જેને લીધે ત્રણેય જિલ્લાની દૈનિક આવકમાં આજે પોણા ચાર લાખનું ગાબડું પડ્યું છે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક મનીષ રાજે જણાવ્યું હતું કે, અમદાવાદ તરફ જવા માટે બાવળાનો રસ્તો બંધ છે. જેને કારણે અમદાવાદ જતી ઘણી બસ રદ કરવી પડી છે. જોકે રાજકોટથી અમદાવાદ વાયા ધોળકાથી સનાથલ થઈને બસ જાય છે પરંતુ એ રસ્તો ખૂબ જ લાંબો પડી જાય છે. જેને કારણે બસો કેન્સલ કરવી પડી છે. આ ઉપરાંત સંતરામપુર અને માંડલ તેમજ વાયા રાધનપુર થરા જતી બસો પણ રદ કરવી પડી છે. જેને લીધે અને મુસાફરોએ મુશ્કેલી ભોગવી છે. જોકે વરસાદની રહેતાની સાથે બંધ રૂટ ફરી શરૂ થઈ જશે.