રાજકોટમાં હરિહર ચોક ખુલ્યા બાદ કસ્તુરબા રોડ બંધ થશે, વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો જાહેર

રાજકોટ શહેરમાં એક રસ્તો ખુલ્યો ત્યાં બીજો મુખ્ય રસ્તો બંધ કરવા માટે મનપાએ તૈયારી શરૂ કરી છે. જેમાં તાજેતરમાં હરિહર ચોક ખુલ્યા બાદ કસ્તુરબા રોડ બંધ કરવામાં આવનાર છે. જેને લઈ હજારો વાહનચાલકોને ફોગટનાં ફેરા કરવા પડશે. આ માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને વૈકલ્પિક માર્ગો જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે ટૂંક સમયમાં આ રસ્તો પણ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવનાર છે.

ચૌધરી હાઇસ્કૂલ ચોકથી જવાહર રોડ સુધીનો રસ્તો સંપૂર્ણ બંધ રહેશે
મનપાનાં સિટી ઈજનેર અતુલ રાવલે દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 2માં આવેલ કસ્તુરબા રોડ પર “પ્રભુ કૃપા” હોસ્પિટલ પાસેનું નાળું જર્જરિત થઈ ગયું છે. જેને લઈ અંદાજે રૂ. 1 કરોડના ખર્ચે બોક્સ કલવર્ટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવનાર છે. આ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી કસ્તુરબા રોડ પર ચૌધરી હાઇસ્કુલ ચોકથી ભાવેશ મેડીકલ (અરવિંદભાઇ મણિયાર હોલ) જવાહર રોડ સુધીનો બંને તરફનો રસ્તો તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવનાર છે. અંદાજે એકાદ વર્ષ સુધી રસ્તો બંધ કરાશે.

પારેવડી ચોક અને સિવિલ હોસ્પિટલ તરફથી આવતા વાહનો માટે ડાયવર્ઝન પ્લાન
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાનાં જાહેરનામા મુજબ, પારેવડી ચોક તરફથી આવતા વાહનો હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ પરથી જામટાવર રોડ, ધરમ સિનેમા (આર વર્લ્ડ) અને કસ્તુરબા રોડ થઈ બહુમાળી ભવન ચોક તરફ જઈ શકશે અથવા ઓવરબ્રિજ નીચેથી સિવીલ હોસ્પિટલ મેઇન ગેઇટથી ચૌધરી હાઇસ્કુલ ચોક તરફ જઈ શકશે. સિવીલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપરથી ભાવેશ મેડીકલ થઈ જ્યુબેલી ચોક, એસ.બી.આઇ. બેંક, લીંમડા ચોક અને યાજ્ઞિક રોડ તરફ અથવા ઓવરબ્રિજ નીચેથી ચૌધરી હાઇસ્કુલ ચોક થઈ હરીહર ચોક અને લીંમડા ચોક તરફ જઈ શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *