રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી યુથ ટુર્નામેન્ટ એટલે અંડર 19 મેચમાં 3 મેચની શ્રેણીમાં આજે ફાઇનલ મેચમાં પણ ભારતે જીત મેળવી 3-0થી શ્રેણી કબ્જે કરી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી 254 રન બનાવ્યા હતા જેની સામે ભારતે 41.2 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવી 255 રન ચેઝ કરી 6 વિકેટે જીત મેળવી 3-0થી શ્રેણી કબ્જે કરી લીધી છે. આજની મેચમાં કેપટન ‘લક્ષ્ય’નો એક જ લખ્ય હતો કે 3-0થી ટીમને જીત અપાવી શ્રેણી કબ્જે કરવી જેમાં તેમને આજે 106 બોલમાં 110 રન ફટકારી અણનમ રહી ટીમને જીત અપાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
રાજકોટ જામનગર રોડ પર આવેલ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર 19 વનડે મેચની શ્રેણીનો આજે ત્રીજો અને ફાઇનલ મેચ રમાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી 49.3 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 254 રન બનાવ્યા હતા અને ભારતને 255 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગ બેટ્સમેન ઝેડ હોલીકએ 88 બોલમાં 12 ચોગ્ગા મદદથી 87 રન અને નીલ પટેલએ 71 બોલમાં 1 ચોગ્ગા મદદથી 51 રન બનાવ્યા હતા. જયારે આ ઇનિંગમાં ભારતીય બોલર મોહિત ઉલવા અને મનલ ચૌહાણએ 3-3 વિકેટ મેળવી હતી તથા આજની મેચમાં ડેબ્યુ કરનાર સૌરાષ્ટ્રના ખેલાડી આર્યન સવસાણીએ 6 ઓવરમાં 39 રન આપી એક વિકેટ મેળવી હતી.