ઓડિશાથી ટ્રકમાં સ્ટીલ પાઇપની આડમાં સૌરાષ્ટ્રમાં નશીલા પદાર્થ ઘુસાડવાના મોટા ષડયંત્રનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાંજાનો મોટો જથ્થો સપ્લાય થાય તે પૂર્વે ગત 18 ઓગસ્ટના રોજ રાજકોટ શહેર SOG પોલીસે અમદાવાદ હાઇવે પરથી એક કરોડથી વધુ કિંમતના 204 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ હાઇપ્રોફાઇલ કેસમાં મુખ્ય સપ્લાયર સહિતના આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય સૂત્રધારને ઓડિશાના ગાઢ જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આ સાથે જ રાજકોટમાં ગાંજો રિસીવ કરનાર તેના સગા ભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ લીગલ ટ્રાન્સપોર્ટના ટ્રકમાં સ્ટીલના પાઇપની આડમાં આ નશીલો પદાર્થ ઘુસાડતા હતા અને અગાઉ પણ બે વખત આવી ખેપ મારી ચૂક્યા છે. હાલ પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી સૌરાષ્ટ્રના અન્ય પેડલરો સુધી તપાસનો દોર લંબાવ્યો છે.

બામણબોર ચેકપોસ્ટ પરથી 99 પાર્સલમાં 204 કિલો ગાંજો પકડાયો હતો
રાજકોટ એસીપી ક્રાઇમ ભરત બસિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર SOG પીઆઈ એન.બી.ચૌધરીની ટીમે મળેલી બાતમીના આધારે બામણબોર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. ગત 18 ઓગસ્ટના રોજ શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી લેતાં મહમદ ઉર્ફે કાળો સરવદી તથા અરબાઝ સલીમભાઇ સંધી રંગેહાથ પકડાયા હતા.

ટ્રકમાં ભરેલા સ્ટીલના પાઇપ પાછળ છુપાવેલા અલગ-અલગ કલરના 99 પાર્સલ ખોલતાં અંદરથી ₹1.04 કરોડની કિંમતનો 204 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *