વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી જશોદા કોલોનીમાં રહેતા 17 વર્ષીય એક સગીરે પોતાના ઘરના ઉપરના માળે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ શોધવા વધુ તપાસ હાથ ધરી છે.
ધોરણ 12માં પ્રવેશ મેળવનાર આતિશનો આપઘાત મૃતક સગીરની ઓળખ આતિશ વિરેન્દ્ર ચૌધરી તરીકે થઈ છે. તેણે તાજેતરમાં જ ધોરણ 11ની પરીક્ષા પાસ કરી હતી અને ધોરણ 12માં પ્રવેશ મેળવ્યો હતો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ કોઈ અગમ્ય કારણોસર તેણે ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો, જેને પગલે પરિવાર અને સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
આ ઘટના બની ત્યારે આતિશ ઘરમાં બિલકુલ એકલો હતો. થોડા સમય બાદ તેના કાકા જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમણે ભત્રીજાને લટકતી હાલતમાં જોયો હતો. કાકાએ બૂમાબૂમ કરતાં આસપાસના પડોશીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી.