પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના કોલકાતાના મધ્યમગ્રામ વિસ્તારની છે.
જાણકારી અનુસાર, ચંદ્રનાથ સફેદ રંગની સ્કોર્પિયોમાં સવાર હતા, ત્યારે બાઇક સવાર હુમલાખોરોએ તેમના વાહનને રોક્યું અને નજીકથી 4-5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગોળી રથના છાતીમાં વાગી. ત્યારબાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. રથને તાત્કાલિક નજીકના નર્સિંગ હોમ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. તેમની હત્યાનો આરોપ ટીએમસીના કાર્યકરો પર લગાવવામાં આવ્યો છે.
બંગાળમાં 4 મેના રોજ પરિણામ પછી હિંસા શરૂ થઈ. છેલ્લા 24 કલાક દરમિયાન 4 લોકોની હત્યા થઈ. તેમાં ભાજપ અને TMCના 2-2 કાર્યકરો છે.
કોલકાતાના ન્યૂ માર્કેટમાં મંગળવારે રાત્રે ભીડે TMCની પાર્ટી ઓફિસને બુલડોઝરથી તોડી પાડી. તોફાનીઓએ આસપાસની દુકાનોને પણ નુકસાન પહોંચાડ્યું. જ્યારે નોર્થ 24 પરગણા જિલ્લાના સંદેશખાલી સ્થિત બામનઘેરી વિસ્તારમાં મંગળવારે રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ અને કેન્દ્રીય દળો પર હુમલો થયો. તોફાનીઓએ ગોળીબાર કર્યો, જેમાં પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા.