રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી ત્રણ અલગ-અલગ હુમલાની ઘટનાઓ સામે આવી છે. ભિસ્તીવાડમાં હાઈકોર્ટની અપીલ પરત ખેંચવા દબાણ કરી 62 વર્ષીય વૃદ્ધા પર કાચની બોટલથી હુમલો કરાયો હતો. બીજા બનાવમાં બ્રાન્ડેડ કપડાં પહેરવા બાબતે 16 વર્ષીય તરુણને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારવામાં આવ્યો હતો, જ્યારે ત્રીજા બનાવમાં મામૂલી બોલાચાલીમાં યુવકને ધોકા વડે ફટકારી હાથમાં ફ્રેક્ચર કરી દેવાયું હતું.
હાઈકોર્ટની અપીલ પાછી ખેંચવા દબાણ કરી વૃદ્ધા પર કાચની બોટલથી હુમલો પ્રદ્યુમનનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા ભિસ્તીવાડ શેરી નંબર 2માં રહેતા 62 વર્ષીય મહિલા તા. 9 ઓગસ્ટના રોજ રાત્રે પોતાના ઘર પાસે ઉભા હતા ત્યારે રુદ્ર ગઢવી અને સોયબ ગોરી નામના બે શખસો બાઈક પર આવ્યા હતા. રુદ્ર ગઢવીએ મહિલાને રિયાજ દલ અને રાજા ઉર્ફે શાહરુખ જુણેજા વિરુદ્ધ હાઈકોર્ટમાં કરેલી અપીલ પરત ખેંચી લેવા ધમકી આપી હતી. મહિલાએ વિરોધ કરતાં ઉશ્કેરાયેલા રુદ્ર ગઢવીએ તૂટેલી કાચની બોટલ મહિલાના જમણા હાથે મારી ઈજા પહોંચાડી હતી અને સોયબ ગોરીએ કાચની બોટલો ઘર તરફ ફેંકી હતી. મહિલાનો પુત્ર આવી જતાં બંને નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર બાદ પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લીધા છે.
“બ્રાન્ડેડ કપડાં પહેરવાથી ઉચ્ચ જ્ઞાતિનો નહીં થઈ જાય” કહી તરુણને ઢોરમાર માર્યો અન્ય એક બનાવમાં પિતા કમલેશભાઈ વાઘેલાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો 16 વર્ષનો પુત્ર વિરરાજ તા. 7 ઓગસ્ટના રોજ બાલભવન પાસે ચાની દુકાને હતો. તે સમયે તેની સાથે અભ્યાસ કરતા આદિત્યસિંહ અને પુષ્પરાજસિંહ જાડેજા સહિત 10 શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. “તું બ્રાન્ડેડ કપડાં અને બૂટ કેમ પહેરે છે? તેનાથી તું ઉચ્ચ જ્ઞાતિનો નથી થઈ જવાનો” તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. ત્યારબાદ એક અજાણ્યા શખ્સે હાથના કડા વડે માથામાં માર મારતાં તરુણને ઉલટીઓ થઈ હતી અને લોહી નીકળવા લાગતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.