રાજકોટ જિલ્લામાં સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ તાલુકા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ અસ્ફાક મેમણ સહિત બે લોકો સામે વ્યાજખોરી કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી અસ્ફાક સલાટ અને કાળું સલાટ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરતા તેમના કબ્જામાંથી વધુ 375 કોરા ચેક મળી આવતા તમામ 136 ભોગ બનનારને પોતાના ચેક પરત અપાવ્યા છે. આરોપીઓએ 136 લોકોને અંદાજિત 2 કરોડ રૂપિયા 3 થી 10 ટકાના વ્યાજે આપ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા વાસાવડ ગામ ખાતે 6 વીઘા સરકારી જમીન પર દબાણ કરી ફાર્મ હાઉસ બનાવ્યું હોવાનું સામે આવતા જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવા મંજૂરી માંગવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, ફરિયાદી જીતેશભાઈ સતાણીએ જણાવ્યું હતું કે તેમને અસ્ફાક સલાટ પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા જે પૈકી 70,000 ચૂકવી આપ્યા હોવા છતાં અસ્ફાક સલાટ જાનથી મારી નાખવા ધમકી આપતો હતો આ પછી પોલીસે તપાસ કરતા તેના કબ્જામાંથી 375 ચેક મળી આવ્યા હતા જે 136 લોકોના હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તમામ 136 લોકોનો સંપર્ક કરી 375 ચેક પરત અપાવવામાં આવ્યા છે. આરોપી દ્વારા 3થી 10% વ્યાજ વસુલવામાં આવતું હતું અને મોટા ભાગે તેમના ગામના અને નજીક આસપાસના લોકોને રૂપિયા વ્યાજે આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે અને આ પછી ત પોતે કોરા ચેક મેળવી પરત કરતા ન હતા. આથી આજ રોજ આરોપીની ધરપકડ કરી તમામ 375 ચેક 136 લોકોને પરત કરવામાં આવ્યા છે.