રિક્ષાચાલકનું હાર્ટ એટેકથી મોત

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ગોવિંદભાઈ લીડીયા (ઉં.વ.44) ગઈકાલે રાત્રે 8 વાગ્યાં આસપાસ પોતાની રિક્ષા લઈને રેસકોર્સ રિંગરોડ પર ગેલેક્સી સિનેમાની સામે ઉભા હતા, ત્યારે અચાનક તેઓ બેભાન થઈ જતા તેમને સારવાર અર્થે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની જાણ કરતા પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. જેના પ્રાથમિક રિપોર્ટમાં તેમનું હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં અશોકભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે.

સામસામે બે બાઈક અથડાતા બંગાળી કારીગરનું મોત મૂળ પશ્ચિમ બંગાળના કલકત્તાનો વતની અને રાજકોટમાં રામનાથપરા ચોકમાં રહેતો મુસ્તાક ઉર્ફે બાપી રાજુ એસકે (ઉં.વ.22) ગત તા.9 મેંના રોજ રાત્રિના 11 વાગ્યાં આસપાસ જમીને બાઈક લઈને ઘરેથી ચા પીવા હોટેલે જતો હતો, ત્યારે સાંતકબીર રોડ પર જલગંગા ચોક પાસે પહોંચતા સામેથી આવતા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા તત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું બે દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મુસ્તાક બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો. ચાર વર્ષથી રાજકોટમાં રહેતો હતો અને કાસ્ટિંગ ભઠ્ઠીમાં કામ કરતો હતો. બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત રાજકોટના નંદા હોલ પાસે રહેતા મણીબેન ધનજીભાઈ ચભાડીયા (ઉં.વ.75) આજે સવારના 10:30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે ગળાફાંસો ખાઈ લેતા તેમને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં આજે સવારે 4 વર્ષની પૌત્રી નાસ્તો કરવા માટે દાદીને તેના રૂમમાંથી બોલાવવા ગઈ, ત્યારે તેણે દાદીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા તુરંત પોતાના મમ્મીને જાણ કરી હતી અને બાદમાં પરિવારજનો તેને હોસ્પિટલ ખસેડ્યા હતા. મણીબેનને સંતાનમાં 3 દીકરા અને 2 દીકરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત મણીબેન છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા. જેનાથી કંટાળી અંતિમ પગલું ભરી હોવાનું અનુમાન છે, ત્યારે હાલ ભક્તિનગર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *