રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલા જેમકો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે શનિવારે સાંજે થયેલા ફાયરિંગના બનાવમાં ગાંધીગ્રામ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પોલીસે રામદેવ ડાંગરના બે મિત્રોની ધરપકડ કરી તેમની પાસેથી છૂપાવેલા હથિયારો કબજે કર્યા છે તેમજ મુખ્ય આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શનની પ્રક્રિયા પૂર્ણ કરી છે.
શનિવારે સાંજે 4.30 વાગ્યાની આસપાસ દિવ્યરાજસિંહ સરવૈયા અને રામદેવ ડાંગર વચ્ચે પૈસાની લેતી-દેતીમાં તકરાર થઈ હતી. દિવ્યરાજસિંહે પોતાની પરવાનાવાળી પિસ્તોલમાંથી રામદેવ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. જોકે, બનાવ બાદ બંને પક્ષોએ અંગત રીતે સમાધાન કરી લીધું હતું પરંતુ, પોલીસે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સરકાર તરફે ફરિયાદી બની હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને દબોચી લીધા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રામદેવ ડાંગરે પોતાની પાસે રહેલી દેશી પિસ્તોલ અને ફોર્ચ્યુનર કારમાં રાખેલું અન્ય એક હથિયાર પોતાના બે મિત્રો કુલદીપસિંહ જાડેજા અને અજયસિંહ ચુડાસમાને સોંપી દીધા હતા. આ બંને મિત્રોએ પકડાઈ જવાના ડરથી હથિયારો જામનગર રોડ પર પરાસર પાર્ક પાસેના એક ખુલ્લા પ્લોટમાં દાટી દીધા હતા. પોલીસે કુલદીપસિંહ અને અજયસિંહની ધરપકડ કરી તેમની નિશાનદેહી પરથી બે હથિયાર અને 7 જીવતા કાર્ટિઝ કબજે કર્યા છે.