રાજકોટ AIIMSમાં અદ્યતન સ્પાઇન સર્જરીનો પ્રારંભ

રાજકોટ AIIMS (અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા) ખાતે અદ્યતન સ્પાઇન સર્જરી સેવાઓનો પ્રારંભ થયો છે. 78 વર્ષના વયોવૃદ્ધ મહિલા દર્દી કમરના ગંભીર દુખાવા સાથે દાખલ થયા હતા. ત્યારબાદ ઓર્થોપેડિક્સ વિભાગે જટિલ લંબર સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક કરી અને તેનાથી મહિલા દર્દીને કમરના ગંભીર દુખાવામાંથી રાહત મળી છે. જેનાથી સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત થયું છે.

2 વર્ષથી કમરના અસહ્ય દુખાવાથી પીડાતા વૃદ્ધ મહિલાને રાહત રાજકોટના 78 વર્ષીય મહિલા છેલ્લા 2 વર્ષથી કમરના અસહ્ય દુખાવાથી પીડાતા હતા. બંને પગમાં સતત દુખાવો તથા પગમાં નબળાઈની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. તેમની સ્થિતિ એવી બની ગઈ હતી કે તેઓ થોડાં પગલાં પણ ગંભીર પીડા વિના ચાલી શકતા નહોતા. જેના કારણે તેમના દૈનિક જીવન પર પણ નોંધપાત્ર અસર પડી હતી.

લંબર કેનલ સ્ટેનોસિસ શું છે? જોકે એઈમ્સ રાજકોટના વરિષ્ઠ ફેકલ્ટી અને સુપર-સ્પેશિયાલિટી નિષ્ણાતોની તબીબી ટીમ દ્વારા વિસ્તૃત તબીબી તપાસ અને રેડિયોલોજીકલ મૂલ્યાંકન દરમિયાન તેમને લંબર કેનલ સ્ટેનોસિસ (Lumbar Canal Stenosis) હોવાનું નિદાન થયું હતું. આ કરોડરજ્જુનો એવો ગંભીર રોગ છે જેમાં સ્પાઇનલ કેનલ સાંકડી થઈ જવાથી કરોડરજ્જુની નસો પર દબાણ સર્જાય છે. જેના પરિણામે કમરના દુખાવા, પગમાં દુખાવો, સુનકાર, નબળાઈ તથા ચાલવામાં મુશ્કેલી જેવી ગંભીર તકલીફ ઊભી થાય છે.

અત્યંત જટિલ સર્જરી કરાઈ દર્દીની સફળતાપૂર્વક મલ્ટી-લેવલ લંબર ડિકમ્પ્રેશન અને સ્પાઇનલ ફિક્સેશન સર્જરી કરવામાં આવી. આ અત્યંત જટિલ અને ઉચ્ચ તકનીકી કુશળતા માગતી સર્જરી છે. જેમાં ઓપરેશન દરમિયાન લાંબો સમય, અદ્યતન સર્જિકલ ટેક્નિક અને અનુભવી મલ્ટી-ડીસીપ્લીનરી ટીમની આવશ્યકતા રહે છે.

આ જટિલ સર્જરીનું નેતૃત્વ ઓર્થોપેડિક્સ વિભાગના વડા ડૉ. કુલભૂષણ કંબોજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે ટીમમાં ડૉ. હર્ષિલ અને ડૉ. હાર્દિક દ્વારા સર્જિકલ સહયોગ આપવામાં આવ્યો હતો. જ્યારે એનેસ્થેસિયોલોજી વિભાગના ડો.વિક્રમવર્ધન, ડો.અનિતા અને તેમની ટીમે સમગ્ર સર્જરી દરમિયાન સફળ એનેસ્થેટિક વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *