રાજકોટ-ગોંડલ સહિતના શહેરોમાં બાળકોને સારવાર માટે લઈ જવાની ફરજ, સ્થાનિકોમાં રોષ

યાત્રાધામ વીરપુરના સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં છેલ્લા કેટલાક સમયથી બાળરોગ નિષ્ણાત તબીબ ઉપલબ્ધ ન હોવાને કારણે બાળકોની સારવારને લઈને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાની ફરિયાદો સામે આવી છે. અગાઉ CHCમાં બાળરોગ નિષ્ણાતની સેવા ઉપલબ્ધ રહેતી હતી, પરંતુ હાલ નિષ્ણાત તબીબ ન હોવાથી ખાસ કરીને ગરીબ અને મજૂર પરિવારોએ સારવાર માટે અન્ય સ્થળે જવું પડતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

વીરપુર CHC વીરપુર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે સરકારી આરોગ્ય સેવાનું મહત્વનું કેન્દ્ર છે. બાળકોમાં તાવ, શરદી-ઉધરસ, ઝાડા-ઉલટી, ન્યુમોનિયા સહિતની બીમારીઓમાં તબીબી તપાસની જરૂરિયાત રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નિષ્ણાત તબીબની ગેરહાજરીમાં વાલીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે અથવા બાળકોને રાજકોટ, ગોંડલ સહિતના શહેરોમાં લઈ જવાની ફરજ પડે છે.

ખાસ કરીને દૈનિક મજૂરી પર નિર્ભર પરિવારો માટે સારવારના ખર્ચ ઉપરાંત મુસાફરી અને રોજગારી ગુમાવવાનો પ્રશ્ન પણ ઊભો થતો હોવાની ફરિયાદ છે. વીરપુર અને આસપાસના ગામોમાંથી અનેક પરિવારો CHCમાં સરકારી સારવાર માટે આવતા હોવાથી બાળરોગ નિષ્ણાતની નિયમિત સેવા ઉપલબ્ધ કરાવવાની માગ ઊઠી છે.
મુખ્યમંત્રી સેતુ યોજના હેઠળ સેવા શરૂ કરવાની માગ
સ્થાનિકોના જણાવ્યા મુજબ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં નિષ્ણાત તબીબી સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમલમાં રહેલી મુખ્યમંત્રી સેતુ યોજના અંતર્ગત વીરપુર CHCમાં બાળરોગ નિષ્ણાતની વિઝિટિંગ સેવા પણ નિયમિત કરી શકાય. જેથી બાળકોની સારવાર માટે વાલીઓને દૂરના શહેરોમાં જવું ન પડે અને સ્થાનિક સ્તરે સરકારી આરોગ્ય સેવાનો લાભ મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *