રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે રૂડા પોતાના મનઘડંત નિયમો અને ફતવાઓ માટે તો જાણીતું છે જ પણ રૂડાની સૌથી વધુ ફજેતી ટી.પી. સ્કીમને લઈને થાય છે. મોટામવા ટી.પી. 24 ડ્રાફ્ટ બની ગઈ છતાં ત્યાં તેમાં અનેક ભૂલો હતી. જે હવે મનપાને ગામ સાથે મળતા તેમાં સુધારો કરાયો છે. મોટામવા ગામમાં વર્ષો પહેલાં ગ્રામ પંચાયત સ્કૂલ બની હતી. જો કે, રૂડાના ઈજનેરોએ મોટામવા ગ્રામપંચાયત સ્કૂલની વચ્ચોવચથી 80 ફૂટનો રોડ કાઢ્યો હતો. આટલું જ નહીં મોટામવામાં ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ બાદ જે પ્લાન મંજૂર કરાયા તેમા ડ્રોઇંગ મુજબ રોડ બરાબર માર્જિન હતું પણ સ્થળ પર માપ લેવામાં આવ્યું તો મોટાભાગની હાઈરાઈઝ રોડના કાંઠે હતી.
ટી.પી. સ્કીમમાં માપણીની ભૂલને કારણે અનેક બિલ્ડિંગ રોડ પર આવી ગયા જેથી મનપાએ વિસ્તારમાં કમ્પ્લીશન પણ આપી શકતી ન હતી. આવી અનેક ભૂલો સાથેની ટી.પી. મોટામવા ગામ ભળ્યા બાદ મનપાને સુપ્રત કરી હતી. જેમાં સરકારી ટી.પી.ઓ.એ અનેક વાંધા કાઢ્યા હતા તે સુધારવાની જવાબદારી મનપા પર આવી હતી. 20મીએ મનપાનું જનરલ બોર્ડ છે જેમાં 22 દરખાસ્ત છે પણ તેમાંની એક દરખાસ્ત ટી.પી. સ્કીમ 24(મોટામવા)ને કે જે પરામર્શ માટે સરકારી ટી.પી.ઓ.એ મોકલી હતી તેમાં સુધારા કરીને સરકારમાં મોકલવાની પણ દરખાસ્ત છે. આ ટી.પી. સ્કીમ મનપાએ સુધારી છે.