રાજકોટ મનપા દ્વારા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠકોની ચૂંટણી જાહેર, 21 ઓક્ટોબરે મતદાન

રાજકોટ મનપા દ્વારા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની નવી ટર્મ બોડીની રચના માટે મેયર તેમજ નિર્વાચન અધિકારી ડો. નેહલ શુકલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે જ અલગ અલગ કેટેગરીની 12 બેઠકો ભરવા માટે મેયર ચેમ્બરમાંથી નિયુક્તિપત્રો આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અગાઉ પક્ષના 150 જેટલા કાર્યકરોએ કમલમ ખાતે દાવેદારી નોંધાવી હતી.

મનપામાં ભાજપના 67 અને કોંગ્રેસના 5 કોર્પોરેટરોના સંખ્યાબળના આધારે ભાજપના 11 અને કોંગ્રેસના 1 સભ્ય ચૂંટાય તેવું ગણિત છે. 12 બેઠકોમાં એક અનુસૂચિત જાતિ/જનજાતિ, આઠ સામાન્ય અને ત્રણ ઉચ્ચ શિક્ષિત બેઠકોનો સમાવેશ થાય છે, જ્યારે ત્રણ સભ્યોની નિયુક્તિ રાજ્ય સરકાર કરશે.

હાલ શિક્ષણ સમિતિના ચેરમેન પદ માટે કિશોર રાઠોડ, અશ્વિન મોલીયા, મનીષ રાડીયા અને ડી.વી. મહેતાના નામો ચર્ચામાં છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ, જાહેર રજાઓ સિવાય સવારે 11 થી 2 વાગ્યા સુધી ફોર્મ મળશે. તા. 30 સપ્ટેમ્બર સુધીમાં દરખાસ્ત કરનાર અને ટેકો આપનારની હાજરીમાં ફોર્મ ભરવાના રહેશે, જ્યારે તા. 1 ઓક્ટોબરે ફોર્મની ચકાસણી હાથ ધરાશે. ત્યારબાદ તા. 21 ઓક્ટોબરના રોજ જનરલ બોર્ડમાં સવારે 11થી 2 સુધી મતદાન થશે અને બપોરે 3 વાગ્યે મતગણતરી કરી પરિણામ જાહેર કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *