ઉપલેટા એસ.ટી. જૂનાગઢ વિભાગના વિભાગીય નિયામક વી.બી. ડાંગરના યોગ્ય માર્ગદર્શન હેઠળ ઉપલેટા એસ.ટી. ડેપો ખાતે ડ્રાઈવરો અને વાહનચાલકો માટે એક વિશેષ અકસ્માત નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના ASI ચૌહાણ તથા પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. પોલીસ ટીમ દ્વારા રોડ પર વાહન ચલાવતી વખતે ડ્રાઈવરે ધ્યાનમાં રાખવાની બાબતો, ટ્રાફિકના નિયમોનું કડક પાલન અને અકસ્માત થતા કેવી રીતે અટકાવી શકાય તે અંગે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત, હાલમાં શરૂ થયેલી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વરસાદ દરમિયાન ભીના રોડ પર વાહન ચલાવતી વખતે રાખવાની થતી વિશેષ સાવચેતીઓ અને સલામતીના મુદાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન ડેપો મેનેજર એસ.કે. મોરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ઉપલેટા ડેપોના ડ્રાઈવિંગ સ્ટાફે આ માર્ગદર્શનને આવકારીને સલામત મુસાફરી પૂરી પાડવાની ખાતરી આપી હતી.