વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિર ખાતે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના શાસનના 25 વર્ષની સફળતાની ઉજવણી સ્વરૂપે શરૂ કરાયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જેતપુર વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની મનોકામના સાથે ખોડલધામ પરિસરમાં એકસાથે 70 હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.
ખોડલધામ મંદિર પરિસરમાં દીવડાઓની આકર્ષક ભાત તૈયાર કરવામાં આવી હતી. 25 x 40 ફૂટની વિશાળ મા ખોડલની તસવીરની ફરતે દીવડાઓ પ્રગટાવી ભવ્ય આકૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત 10 x 24 ફૂટનું વિશાળ ત્રિશૂળ અને 15 x 15 ફૂટનો સાથિયો પણ દીવડાઓથી કંડારવામાં આવ્યો હતો.
‘આઈ શ્રી ખોડિયાર’ની આકર્ષક રચના
મંદિર પરિસરમાં 4 x 30 ફૂટના વિસ્તારમાં દીવડાઓથી ‘આઈ શ્રી ખોડિયાર’ લખવામાં આવ્યું હતું. મંદિરના પ્રદક્ષિણા કક્ષ અને રંગમંચ સહિતના વિસ્તારોમાં હજારો દીવડાઓ પ્રગટાવાતા સમગ્ર કાગવડ ધામ દિવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.